અંડર બ્રિજમાં ભરાયેલા વરસાદી પાણી અને ભૂગર્ભ ના દૂષિત પાણીને ઉલેચવા તંત્ર દ્વારા પંપો કાર્યરત કરાયા..
કોલેજ રોડ પરના અંડર બ્રિજની સમસ્યાનુ કાયમી નિરાકરણ લવાય તેવી લોકોએ આશા વ્યક્ત કરી…
પાટણ તા. 7
પાટણ શહેરના કોલેજ રોડ પર બનાવાય અંડર બ્રિજમાં કમોસમી પડેલા વરસાદના તેમજ ક્ષતિ ગ્રસ્ત બનેલી ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ભરાવાની સમસ્યાને નિવારવા કેમ્પસ ના ડાયરેક્ટર દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા આખરે તેઓ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે ગુજરાતના પનોતા પુત્રને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રેલવે મંત્રીને મંગળવારે લેખિત રજૂઆત કરવાની ફરજ પડી હતી અને તે બાબતના સમાચારો પણ અખબારોમાં અને ટીવી ન્યુઝ ચેનલોમાં પ્રકાશિત થતા સફળા જાગેલા તંત્રએ બુધવારના રોજ કોલેજ રોડ પરના અંડર બ્રિજમાં ભરાયેલા વરસાદી તેમજ ભૂગર્ભ ગટરના દૂષિત પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કર્મચારીઓને કામે લગાડી હાથ ધરવામાં આવી હતી.
પાટણ કોલેજ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ અંડરબ્રિજ શરૂઆત થી જ વિવાદોમાં રહેવા પામ્યા છે ચોમાસા દરમિયાન અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતી હોય છે ત્યારે તેના નિકાલ માટે રેલવે તંત્ર દ્વારા બ્રિજમાં પંપો કાર્યરત કરવાની ફરજ પડી હતી તો અંડર બ્રિજના સંરક્ષણ માટે રેલવે વિભાગ દ્વારા બ્રિજની ઉપર ફાઇબર સેક્શન શેડ પણ બનાવવામાં આવ્યો છે
ત્યારે તાજેતરમાં આ માર્ગ પર ચાલતી ઓવર બ્રિજની કામગીરી દરમિયાન પાલિકાની ભૂગર્ભ ગટરની લાઈન ક્ષતિગ્રસ્ત બનતા તેમજ કમોસમી વરસાદ પડવાના કારણે અંડરબ્રિજમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી તેમજ કમોસમી પડેલા વરસાદ પાણીનું પુનઃ આ અંડર બ્રિજમાં ભરાતા વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોને અનેક યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો હતો
ત્યારે આ અંડર બ્રિજની સમસ્યાનું નિરાકરણ લાવવા કેમ્પસના ડાયરેક્ટ દ્વારા અનેક વખત તંત્રનું ધ્યાન દોરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતા આખરે તેઓ દ્વારા ભારતના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી અને રેલવે પ્રધાન સુધી લેખિત રજૂઆત કરતા અને આ બાબતના સમાચારો અખબારોમાં તેમજ ન્યુઝ ચેનલમાં પ્રકાશિત થતા બુધવારના રોજ સફાળા જાગેલા તંત્રએ કોલેજ રોડ પરના અંડરબ્રિજની પાણી નિકાલની કામગીરી સાથે સફાઈ અભિયાનની કામગીરી હાથ ધરતા વિદ્યાર્થીઓ અધ્યાપકોને આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી અને કાયમી ધોરણે અંડર બ્રિજની મુશ્કેલીઓનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.