હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં
પાટણ શહેર અને જિલ્લામાં બીપરજોય વાવાઝોડાના કારણે પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે.
પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખાના ખરાબી જોવા મળી હતી. જોકે, કોઈ માનવ મૃત્યુ થયું નથી, તેને લઈને વહીવટી તંત્રને જરૂર હાસકારો થયો છે. જોકે, જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખેતરો માં ઢીચણ સમા પાણી ભરાઈ જવાના કારણે હાલમાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે.
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે તાલુકાના વાસા, માસા, સાંકરા સહિતના આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા કપાસના પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો આ પાણીનો નિકાલ ન થાય તો ખેડૂતોએ મહા મહેનતે અને મોઘાદાટ બિયારણો ખર્ચીને વાવેતર કરવામાં આવેલ કપાસનો પાક નિષ્ફળ જશે. જેને પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા ઝડપથી પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવે તેવી ખેડૂતો તરફથી માંગ ઉઠી છે.