ક્રિડા ભારતી દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકામાં ક્રિડા કેન્દ્રો શરૂ કરાશે..
પાટણ તા. 19 ક્રીડા ભારતી છેલ્લા 25 વર્ષથી દેશમાં રમત-ગમતના વિકાસ માટે કામ કરતુ એક સામાજિક સંગઠન છે, ક્રીડા ભારતી, દેશમાં સાંસ્કૃતિક અને પરંપરાગત રમતો વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વધુ અને વધુ મેડલ કેવી રીતે મેળવી શકે છે, સમગ્ર દેશનું ખેલ દ્વારા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સારું રહે સાથે ખેલ દ્વારા બહાદુરી, ધીરજ, નિર્ણય શક્તિ, રાષ્ટ્ર ભક્તિ દેશ ના યુવાનોમાં ભરી રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપી શકે તેવા યુવાનો તૈયાર કરવા, આવા વિષયો પર ક્રીડા ભારતી ગંભીરતા થી કામ કરે છે. ક્રીડા ભારતી પાટણ જિલ્લા કમિટી ની બેઠક બુધવારના રોજ સરદાર પટેલ રમતગમત સંકુલ ,પાટણ ખાતે મળેલ હતી. આ બેઠકમા યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક ડૉ . ચિરાગભાઈ પટેલ ગુજરાત પ્રાંતના ક્રીડા ભારતી ના સહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠક પાટણ જીલ્લાના અધ્યક્ષ જયંતીભાઈ પટેલની અધ્યક્ષતા માં યોજાઈ હતી. ક્રીડા ભારતી ના વર્ષ દરમ્યાન આવતા ઉત્સવો તથા જિલ્લાના તમામ તાલુકા કેન્દ્રો ઉપર ક્રીડા કેન્દ્રો શરુ કરવા તથા ખેલાડીઓ ની સાથે રહી તેમની સમસ્યાઓ માં સહભાગી બની તેમના પથદર્શક કેવી રીતે બની શકાય તે અંગે ચિંતન કરવામાં આવ્યું હતું. આગામી તા.29 ઓકટોબરના રોજ ભારતને હોકીમાં ગૌરવ અપાવનાર મેજર ધ્યાન ચંદની જન્મ જયંતિ નિમિતે ઇતિહાસકારોની ઉપેક્ષાનો ભોગ બનનાર ભારતની પ્રજા તેમને જાણે તે હેતુથી શાળા-કોલેજો ના યુવાનો સુધી વિષયની જાણકારી પહોંચે તે સંદર્ભે કાર્યક્રમો ની વિશેષ યોજના બનાવવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્લાની ટીમમાં કેટલીક જવાબદારીઓ આપવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. જે મુજબ ક્રીડા ભારતી ના જિલ્લા મંત્રી તરીકે ઊંઝા કોલેજના પ્રાધ્યાપક ડૉ. અજીતસિંહ ઠાકોર, કાર્યાલય પ્રમુખ તરીકે કિરીટભાઈ એમ. પટેલ, ક્રીડા જ્ઞાન પરીક્ષાના સંયોજક તરીકે શેઠ એમ. એન. સાયન્સ કોલેજ, પાટણ ના ફિઝીકલ ડાયરેક્ટર ડો દેવાંગભાઈ પટેલ તથા માતૃશક્તિ આયામ ના અધ્યક્ષ તરીકે સમી કોલેજના પ્રાધ્યાપિકા શ્રીમતી જાગૃતિબેન પ્રજાપતિને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ આવનાર સમયમાં પાટણ જિલ્લાના સંગઠનમાં સંગઠનનું કામ વધે તે દિશામાં ભેગા મળી કામ કરવા માટે ચર્ચા કરાઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી