ત્રણેય રથોનું મંદિરના પૂજારી દ્વારા પંચામૃત સાથે મંત્રોચ્ચાર કરી શુદ્ધિકરણ કરાયું..
આવતીકાલથી ત્રણેય રથોની જગન્નાથ ભક્તો દ્વારા સફાઈ અને મરામત કામગીરી હાથ ધરાશે..
પાટણ તા.11
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાંથી નીકળનારી ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજી ની 141 મી ભવ્યાતી ભવ્ય રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
રવિવારના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી ના ચાંદી મઢીત ત્રણેય રથોને શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસર ખાતે લાવવામાં આવ્યા હતા. રથો મંદિર પરિસર ખાતે આવી પહોચતા મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ દ્વારા તેની ગંગાજળ સહિત પંચામૃત સાથે શુદ્ધી કરણ અર્થે પૂજા અર્ચના કરવામાં આવી હતી.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે લવાયેલા ભગવાનના ત્રણેય રથોની આવતી કાલથી સફાઈ કામગીરી અને મરામત કામગીરી હાથ ધરવામાં આવશે.પાટણ ખાતેથી તારીખ 20 મી જુનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા માં પાટણ શહેર અને સમગ્ર જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અઢારે વર્ણના લોકો ઉમટતા હોય છે.
ત્યારે ભગવાન જગન્નાથજી ની આ રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત જગન્નાથ ભક્તો દ્વારા રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું રથયાત્રા સમિતિ ના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
તો મંદિરના પૂજારી એ પણ ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ સૌ ભક્તોનું કલ્યાણ કરે તેવી કામના વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી