વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનાં હસ્તે લહેરાયો ત્રિરંગો…
માતૃભૂમિ પર આવીને ધ્વજવંદન કરવાની તક મળી એ બદલ હુ મારી જાતને ધન્ય અનુભવું છુ: શંકરભાઈ ચૌધરી..
પાટણ તા. 15
પાટણના રાધનપુરની આદર્શ શાળા મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાતા રાધનપુરની આદર્શ શાળા દેશ ભક્તિનાં રંગે રંગાઈ ગઇ હતી. ચારેય બાજુ લોકોના હાથમાં તિરંગો લહેરાઈ રહ્યો હતો. અધ્યક્ષે ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વતંત્રતાં પર્વની ઉજવણી સમારોહનાં અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતુ કે, આજે મને મારી માતૃભૂમિ પર આવીને ધ્વજવંદન કરવાની તક સાંપડી છે તે મારા માટે ગૌરવની વાત છે. મારી માતૃભૂમિને આજના સ્વતંત્રતાં પર્વ પર હું વંદન કરું છું. આપના આશિર્વાદ મારા પર હંમેશાથી બની રહ્યાં છે.
આજે જ્યારે સમગ્ર દેશ મારી માટી,મારો દેશની ઉજવણી કરી રહ્યો છે , ત્યારે મને કહેતાં આનંદ થાય કે, આ કેમ્પેઇન અંતર્ગત ગુજરાત માંથી કુલ 2.05 લાખ જેટલાં ગામોની માટી એકસાથે દિલ્હીનાં કર્તવ્યપથ પર જશે. આજે સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવી રહ્યો છે.તેઓએ યોગ, આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ, ચંદ્રયાન મિશન વગેરેની વાત પણ કરી હતી.
જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં શંકરભાઈ ચૌધરીએ લોકોને સંબોધિત કરતા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી કઇ રીતે દેશ,રાજય અને પાટણ જિલ્લાનાં લોકો લાભ લઇ રહ્યાં છે તેની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, આપણાં દેશના વિકાસની નોંધ આજે વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે. કેન્દ્ર અને રાજય સરકારની જન કલ્યાણ યોજનાઓ થકી પાટણ જિલ્લાની નાગરીકોની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
પાટણ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાનાં ગામ સુધી પહોંચી છે. સરહદી વિસ્તાર રાધનપુર ,સાંતલપુરમાં શિક્ષણની વાત હોય કે પીવાના પાણીની સમસ્યા ની વાત હોય દરેકે દરેક ક્ષેત્રમાં આજે રાધનપુર અને સાંતલપુર વિસ્તાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. મને યાદ છે કે એક સમયે આ સરહદી વિસ્તારમાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, પરંતુ આજે આપણી આ દિકરીઓ શિક્ષણ ક્ષેત્રે અનેક નામના મેળવી રહી છે.
આજે આ સરહદી વિસ્તારના લોકોને પીવાના પાણી માટે દૂર જવું નથી પડતું. આજે દરેક ઘરમાં હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોચતું થયું છે. આજે જ્યારે સ્વતંત્રતા પર્વની આપણે સૌ ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે પાટણ જિલ્લાનાં નાગરીકોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવું છું.આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ આજે યોજાયેલા જિલ્લા કક્ષાનાં ધ્વજવંદન સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજુ કર્યા હતા.
જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજુ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ એ મેદાન પર આવી ને શાનથી તિરંગો લહેરાવ્યો હતો.ત્યારબાદ શંકરભાઇ ચૌધરીનાં હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ.આજે રાધનપુર મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી,જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, વિવિધ આગેવાનો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરીકોએ ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી