પાટણ તા. 16 પાટણ શહેર અને જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સેવાકીય સંસ્થાઓની સાથે સાથે વ્યક્તિગત સેવાનો યજ્ઞ કરી ધૂપસળી ની જેમ ચોમેર પોતાની સેવાની સુવાસ ફેલાવતા અનેક સેવાકીય વ્યકિતઓ લોક સેવાના કાયોૅ કરી રહ્યા છે. ત્યારે પાટણના વઢિયાર પંથકમાં આવેલા જૈનોના તિથૅ ધામ સમા શંખેશ્વર ધામ ના જીજ્ઞાબેન શેઠ કે જેઓએ વઢિયાર પંથકના અનેક ગામડાઓમા જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ બની પંથકની દિકરીઓને આત્મ નિભૅર બનાવવાનું કાયૅ કરી દિકરીઓના નિશ્ર્ચેત બનેલા ચહેરાઓ પર સ્મિત રેલાવવાનુ કામ કરી સાચી વિરાગના નારી તરીકે ની ખ્યાતિ મેળવી છે. આવી વિરાગના નારી ની સેવા પ્રવૃત્તિ ને ધ્યાનમાં રાખીને તેઓને તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ થી સન્માનિત કરાતા પાટણના સમસ્ત વઢિયાર પંથકે ગૌરવ અનુભવ્યું છે. આમ જોવા જઈએ તો સેવાની સંસ્થાઓની સૌથી વધારે જરૂરિયાત ક્યાં હોય છે તો તેનો એક જ જવાબ હોય છેવાડાનાં ગામડાઓમાં. ત્યારે આવા છેવાડાના પંથકમાં છેલ્લા બે બે દાયકા સુધી નિસ્વાર્થ – રૂડો કર્મયોગ આદરી, અસંખ્ય લોકોના આંગણે અજવાળું પાથરી, સતત એ જ્યોત જલતી રાખનાર એક સ્ત્રી કે જે પોતાના પતિ, સંતાન અને પરિવાર સાથે જીવતાં જીવતાં આ સેવાનું સુકાન સુપેરે સંભાળી રહેલ છે.
હજી ચાલીસી પણ પૂરી નહિ કરનાર ને માત્ર વીસ વર્ષની ઉંમરે આ યજ્ઞમાં યુવાનીના કાળખંડની આહુતિ આપનાર ‘કર્મ વિરાંગના’ તરીકે જેને સૌ ઓળખે છે એવા જીજ્ઞાબેન શેઠ ને તાજેતરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના સભાખંડમાંઆયોજિતવઢિયાર પંથકના લેખક રમેશ તન્ના ના પુસ્તક વિમોચન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રમેશ તન્ના એ લખેલ આ પોઝિટિવ સ્ટોરી એક જ નગર જૈનતીર્થ શંખેશ્વરની હતી. મને વિચાર આવે છે કે આ ભૂમિની કૈક તો અલગ તાસિર હશે કે અહીથી સમાજની સંવેદના પ્રગટે છે. જીજ્ઞાબેન શેઠ સેવા અને વ્યવહારનો શ્રેષ્ઠ સંગમ છે. તેઓ સતત પ્રવાસી છે. મોટી મોટી મીટીંગોમાં વ્યસ્ત રહે છે. આમ છતાં, એમનાં ચહેરા પર કાયમ એક સ્મિત ફરકતું રહે છે. સૌએ એમને કાયમ હસતાં જ જોયાં છે. અનેક લોકો સાથે વાતચીત કરતી વખતે એ શાંત હોય છે. ઉચાટ એમને અસર નથી કરતો. જાહેર ક્ષેત્રમાં કામ કરનારા થોડા આકળા તો બની જ જતાં હોય છે. જ્યારે તમારે અસંખ્ય લોકોથી કામ પુરું પાડવાનું આવે ત્યારે થોડી બેચેની પણ આવી જ જાય પણ, જીજ્ઞાબેન શેઠ કદી ગુસ્સે થતાં કે ગરમ થતાં નથી જોયાં. સેવાનો સંતોષ અને શાંતિ અહીં પૂર્ણરૂપે ખીલી ઉઠી હોય એવું લાગે છે.
સેવાના આ તપનો એક પડાવ એટલે સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ. સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ વર્ષો સુધી એવા મહાનુ ભાવોને આપવામાં આવતો હતો જેઓ પરદેશમાં રહીને દેશ માટે સેવા ભાવનાથી કશુંક સારુ કામ કરે છે. થોડા વર્ષો પહેલા એમાં થોડો બદલાવ આવ્યો. આ દેશમાં અને રાજ્યમાં પણ કેટકેટલા લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી ધૂપસળીની જેમ મહેકી રહ્યાં છે ને આ એવોર્ડ અહી આપવાનો શરુ કરવામાં આવ્યો. વઢિયાર પંથકના કમૅ વિરાગના જીજ્ઞાબેન શેઠની સાથે સાથે અન્ય સેવાધારીઓને પણ આ સન્માન અપાયું હતું. વઢીયાર પંથકની જીજ્ઞાબેન શેઠ જેવી એક દીકરી પોંખાય ત્યારે હૈયું હરખાય જ પણ, એથી વિશેષ સાચા અર્થમાં સેવામય બની ગયેલ જીવનના સામૈયા થાય ત્યારે વિશેષ આનંદ થાય. આ સન્માન વઢિયાર પંથકમાં છેવાડાનાં અનેક ગામડાઓની દિકરીઓનાં ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરનારા જીજ્ઞાબેનનું તો છે જ પણ, સાથે સાથે એ કલાનું પણ છે જે હસ્તકલા છેક જાપાન સુધી પહોંચે છે. હજજારો બાળકોને કમ્પ્યુટરની તાલિમ વડે સજજ કરી, એમને રોજગાર સુધી લઈ જનાર જીજ્ઞાબેન શેઠને લાખ લાખ અભિનંદન સાથે વેલ ડન જીજ્ઞાબેન શેઠ વેલ ડન…
અહેવાલ યશપાલ સ્વામી