શાળા ની દીકરીઓ એ પોલીસ મિત્રો ને રાખડી બાંધી સમાજ ની સુરક્ષા માટે શક્તિ મળે તેવી પ્રાર્થના કરી…
શાળા ના વિદ્યાર્થીઓ એ વેસ્ટ વસ્તુઓ માંથી બેસ્ટ રાખડીઓ બનાવી..
પાટણ તા. 29 ભારત દેશ ની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ માં ભાઈ બહેન ના પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધન કાર્યક્રમનું અનેરું મહત્વ રહેલું ત્યારે રક્ષાબંધન ના પવિત્ર પવૅ ની ઉજવણી ના ઉપલક્ષ્યમાં પાટણ શેઠ એમ.એન હાઇસ્કુલ દ્રારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. સૌ પ્રથમ બાળકો માં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તેમની પાસે રહેલી વેસ્ટ વસ્તુઓમાંથી રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ધોરણ 9 થી 12 ના 63 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગ માંથી સારી રાખડીઓ બનાવવા બદલ ત્રણ – ત્રણ નંબર આપવામાં આવેલા હતા. માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ નંબરે ઠાકોર જયતીન, પટેલ ગોપી, પટેલ જીયા અને ભરવાડ બાબાભાઈ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ નંબરે પટણી ઋષિકા, રાવળ રક્ષા અને પ્રજાપતિ ભવ્યા રહ્યા હતા.
સમગ્ર દેશ તેમજ સમાજ ને સુરક્ષા પૂરી પાડતા પોલીસ મિત્રો ને પણ પરમ કૃપાળુ પરમાત્મા સમાજ અને દેશ ની સુરક્ષા કરવાની શક્તિ આપે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ રાખડીઓ તૈયાર કરનાર દીકરીઓ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ પરમાર સહિત તમામ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી તેમજ સમાજ ની સુરક્ષા માટે અપાર શક્તિ મળે તે માટે ભગવાન ને પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શાળાની તમામ દીકરીઓએ તેમના વર્ગના વિધાર્થી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી અને વિધાર્થી ભાઈઓએ વિધાર્થીનીઓને બેન તરીકે આશીર્વાદ આપ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી