પાટણ તા. 1 પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સાથે પાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીને લઈને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારે નિરીક્ષકો ની ટીમે દાવેદાર ઉમેદવારો ના સેન્સ લીધા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષક તરીકે ગુમાનસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ, રાજુભાઇ શુકલ પ્રભારી અરવલ્લી જિલ્લો અને પૂર્વ પ્રમુખ કડી નગરપાલિકા તેમજ રમીલાબેન દેસાઈ પૂવ ધારાસભ્ય ખેરાલુએ ઉપસ્થિત રહી ઉમેદવારો ના સેન્સ લીધા હતા. આ સેન્સની સમગ્ર પ્રક્રિયામાં અપેક્ષિતમાં તમામ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો,સંગઠન મોરચા પ્રમુખ,મહામંત્રી,તાલૂકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ સિનિયર આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા.
વહેલી સવાર થી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર,મહામંત્રી રમેશભાઈ સિંધવ સહિત સિનિયર આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી