પાટણ તા. 19 તીર્થધામ બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીને ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અમરેલી જિલ્લાના ચમારડીના વતની અને હાલ સુરત સ્થિત બિલ્ડર અને ખોડલધામના ટ્રસ્ટી ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તરપરા (પાટીદાર) દ્વારા 300 ગ્રામ સોનાનો હીરાજડિત સુવર્ણમુગટ અને કાનનાં કુંડળ ભેટ અર્પણ ધરવામાં આવ્યા હતા.
20 વર્ષ પૂર્વે બહુચરાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ગોપાલભાઈ પાટીદારનો સંકલ્પ સિદ્ધ થતાં ખુશાલીરૂપે કર્મદેવી મા બહુચરને આ મુગટ અને કુંડળ અર્પણ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.
આ પહેલાં ઉમિયાવાડી સ્થિત ઉમિયા માતાજી મંદિરથી પગપાળા મા બહુચરના મંદિરે ધ્વજારોહણ કરાયું હતું. બાદમાં સામાજિક અગ્રણીઓની હાજરીમાં ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ સાથે પરિવાર દ્વારા માતાજીને હીરાજડિત સુવર્ણ મુગટ અને કાનનાં કુંડળ અર્પણ કરાયાં હતાં.
આ સમયે સમગ્ર મંદિર પરિસર બોલ મારી બહુચર જય જય બહુચરના જયઘોશથી ગૂંજી ઊઠ્યું હતું.આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ,માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, બહુચરાજી એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ સહિત શંખલપુર સરપંચ પરેશભાઈ પટેલ, બહુચરાજી પાટીદાર સમાજના કાર્યકરો હર્ષદભાઈ પાટીદાર અને જીમીતભાઈ પટેલ સહિત ટીમે જહેમત ઉઠાવી હતી. માના મુગટની શોભા માં 300 ગ્રામ સોનુ, 6155 ડાયમંડ (76 કેરેટ), 239 નંગ (58 કેરેટ), નો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું દાતા પરિવારે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી