રવિ સીઝનના પાકોના વાવેતર સમયે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને બોરના બિલ નું ભારણ ઘટશે..
પાટણ તા. 25 પાટણ પંથકની કેનાલોમાં સિચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે પાટણ પંથકના ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિત પાટણના ધારાસભ્યને તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે પાટણના ધારાસભ્ય દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને આ બાબતે ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લઇ કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોની લાગણી અને ધારાસભ્યની રજૂઆતના પગલે કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણા આપી હતી. જે મુજબ પાટણ ની કેનાલોમાં પહેલી નવેમ્બર થી છોડવામાં આવનાર પાણી ને સિંચાઇ વિભાગના અધિકારીઓ દ્વારા તારીખ 24 ઓક્ટોબર થી જ છોડવાની શરૂઆત કરતા પાટણ પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી છે.
સિંચાઈ વિભાગ દ્વારા સદર પાણી છોડાતા પાટણ પંથકના અનાવડા,ખારીવાવડી,વત્રાસર,બાદીપુર, માનપુર, કુણઘેર, કતપુર, ઇલમપુર, રાજપુર ના ખેડૂતો ને ખુબજ ફાયદાકારક બની રહેશે. રવી સીઝન ની શરૂઆત માં અત્યારે રાયડા,કપાસ, એરંડાની સાથે ઘાસચારા ના પાક માં સમયસર પાણી છોડાતા ખેડૂતો ને બોર ના બિલનું ભારણ ઘટશે જેનાથી ભૂગર્ભ જળ ને પણ ફાયદો થશે. સદર પાણી માનપુર ગામ સુધી પહોંચતા ખેડૂતો માં આનદ વ્યાપી ગયો હતો અને ખેડૂતો દ્રારા તંત્ર સહિત પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી