જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સેવકોને સન્માનિત કરાયા..
પાટણ તા. ૧૯
અયોધ્યામાં 450 વર્ષના ઇન્તજાર પછી ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે તેની ખુશી દરેક હિન્દુમાં જોવા મળી રહી છે. લાખ્ખો રામ ભકતો ના બલિદાન બાદ આ સોનેરી સમય અયોધ્યામાં આવ્યો છે ત્યારે અયોધ્યા ખાતે પૂજન કરાયેલ અક્ષત કુંભ રવિવારના પવિત્ર દિવસે સંગીતના સુમધુર સૂરો અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહિત સનાતન ધર્મની વિશાળ જન ઉપસ્થિતિમાં સાજે આવી પહોંચતા અક્ષત કુંભને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાટણ
ના સનાતન ધર્મ પ્રેમી નગરજનોએ પોતાના માથે બિરાજમાન કરી પદયાત્રા સ્વરૂપે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે લાવવામાં આવ્યો હતો.
આ અક્ષત કુંભનું જગન્નાથ મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સેવકોનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત અન્ય ટ્રસ્ટીગણે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરી ભગવાન જગન્નાથજીની ફોટો પ્રતિમા અને ખેસ પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.
અયોધ્યા ખાતે પૂજન અર્ચન કરાયેલા અક્ષત કુંભ નું શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આગમન થતા જય જય શ્રી રામના નારા વચ્ચે ભગવાન જગન્નાથજીનું મંદિર ગુંજી ઉઠયું હતું.
આ અક્ષત કુંભ આગામી જાન્યુઆરી માસ સુધી પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં પરિભ્રમણ કરી દરેક સનાતન હિંદુ ઓના ઘરે ઘરે પ્રસાદ સ્વરૂપે અક્ષત અર્પણ કરવામાં આવનાર હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી