સૌથી વધુ અસ્વચ્છતા શિક્ષિત લોકો જ ફેલાવે છે : જયંતીભાઈ નાયી…
પાટણ તા. ૫
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી દર રવિવારે યોજાતા મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત આ રવિવારે ગુણવંતશાહ દ્વારા લખાયેલ પુસ્તક કાર્ડિયોગ્રામ ઉપર વડાવલીનાં રહેવાસી જયંતિભાઈ નાયી દ્વારા વકતવ્ય આપવામાં આવ્યુ હતું. તેઓએ લેખક ગુણવંત શાહની અજાણી વાતો વિશે જણાવ્યું હતું કે, તેઓ આજીવન પુરસ્કાર નાં પૈસાનું દાન કરે છે. તેઓની વિશેષતાએ છે કે તેઓ જીવાયેલા, અનુભવેલા,જાતે અવલોકન કરેલા શબ્દો લખે છે. વાંચકો પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે તેઓ કટીબધ્ધ છે. તેઓએ કાર્ડિયોગ્રામ પુસ્તકમાં લખેલા જુદા જુદા વિષયો ઉપર તેઓએ પ્રકાશ પાડયો હતો.તેઓએ સ્વચ્છતા વિશે જણાવ્યું હતું કે,સૌથી વધુઅ સ્વચ્છતા શિક્ષિત લોકો જ કરે છે.
કાર્ડીયોગ્રામ ઉપર વાત કરતા તેઓએ માનવજાતિની સંવેદનશીલતાનો ગ્રાફ નાની નાની લઘુ વાર્તાઓ દ્વારા આપ્યો છે.આ પુસ્તકમાં તેઓએ આત્મલક્ષી ભૂમિકાઓથી માનવીય સંદર્ભના વિવિધ બુટ્ટાહાર ચિત્રો તેમણે ઉપસાવ્યા છે. માનવીની વિસંગતિઓ અને બેવકૂફીઓ પર આપણે હસી રહીએ છીએ એનું કુશળ નિરુપણ લેખકે કાર્ડિયોગ્રામમાં કરેલ છે.આ પ્રસંગે લાઈબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા દ્વારા સર્વેનું સ્વાગત કરી લાઈબ્રેરીનાં મકાનના બાંધકામ અને ભવિષ્યનાં કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રસંગે લાઈબ્રેરી ના સભ્ય આત્મારામભાઇનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ વ્યાસ,જયેશભાઈ વ્યાસ, સુરેશ ભાઈ દેશમુખ, ડો.શરદ પટેલ સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ ની આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી