પાટણ તા. 29
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, અને ગુજરાત સરકાર ના ક્લાઈમેટ ચેન્જ વિભાગ ના સહયોગથી ગુરૂવારે મેરી લાઈફ – મિશન લાઈફ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં બનાસકાંઠા,પાટણ અને કચ્છ થી આવેલ મુલાકાતીઓ સાથે 5 શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનાઓ સહભાગી બની ભાગ લીધો હતો.
સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ શાબ્દિત સ્વાગત સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને કાર્યક્રમ વિશે ટૂંકમાં માહિતી આપી લીપ વર્ષનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ ઓક્સફર્ડ શાળા પાટણ ના વાઇસ પ્રિન્સિપાલ સંજય સિંગ દ્વારા ઈ-કચરામાં ઘટાડો કરવો, પાણી અને ઉર્જા બચાવો પર અને જેલાણાં સરકારી શાળા માંથી મદદનીશ શિક્ષક પટેલ હેમલત્તાબેન દ્વારા સ્વસ્થ જીવનશૈલી, ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવવી, કચરો ઓછો કરો અને “સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહો” પર નિષ્ણાત ચર્ચા ના માધ્યમથી સહભાગીઓ ને મિશન લાઈફ વિશે ખુબજ જાણકારી મળી હતી.
સંક્ષિપ્ત ચર્ચા અને પ્રશ્ન જવાબ સત્ર પછી, વેસ્ટ માંથી બેસ્ટ પર એક્ટિવિટી અને ક્લાઇમેન્ટ ચેન્જ ના ઇન્ટર એક્ટિવ મોડેલ અને સાયન્ટિફિક ફિલ્મો દ્વારા સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અંતમાં સહ ભાગીઓ સાથે પર્યાવરણને બચાવવા માટે રોજિંદા જીવનમાં શક્ય તમામ ફેરફારો કરવા પર પ્રતિજ્ઞા લેવા માં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી