પ્રથમ દિવસે એક પણ કોપી કેસ ના નોંધાતા તંત્રએ રાહત અનુભવી…
પાટણ,તા.૧૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી શરુ થયેલ ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓનો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. પરીક્ષા ના પ્રારંભ પૂર્વે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પાટણ સાંસદ સહિતના રાજકીય સામાજિ ક આગેવાનો વિવિધ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભ કામનાઓ પાઠવી હતી.
ધો.૧૦નું પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતીનું એકંદરે સરળ નિકળતા વિદ્યાર્થીઓએ ફિલગુડની લાગણી અનુભવી હતી. જિલ્લામાં ધો.૧૦માં નોંધાયેલ ૧૪૮૩૩ પરીક્ષાર્થીઓ પૈકી ૧૪૪૦૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૪૩૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો એક વિદ્યાર્થીએ ઉર્દુ ભાષામા પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં પ્રારંભ થતાં પ્રથમ દિવસે ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હતો.
સવારે ધો.૧૦ અને બપોરે ધો.૧૨ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે જે-તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઉમટી પડયા હતા. જિલ્લાના ૩૯ પરીક્ષા કેન્દ્રોની ૧૧૯ બિલ્ડીંગના ૧૦૯૪ બ્લોકમાં વિદ્યાર્થીઓ એ શાંતિ પાણી માહોલમાં પરીક્ષા આપી હતી. સવારે ધો.૧૦ની પરીક્ષા બાદ બપોરે ધો.૧૨માં નોંધાયેલ ૧૮૬૨ પરીક્ષાર્થી પૈકી ૧૮૫૩ વિધાર્થીઓએ નામાના મૂળતત્વોનું પ્રશ્નપત્ર આપ્યુ હતું જયારે ૯ વિદ્યાર્થીઓ ગેર હાજર રહયા હતા.
વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીકસના પ્રશ્નપત્રમાં ૨૦૪૦ નોંધાયેલા પરીક્ષાર્થી પૈકી ૨૦૨૨ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૮ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો આ પરીક્ષામાં પણ કોઇ ગેરરીતી નો કેસ નોંધાયો ન હતો. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જીલ્લાના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર કલાસ વન-ટુ અધિકારી ઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે.
તો ઝોનકક્ષાએ પણ નિમણુંક કરાયેલા ઝોનલ અધિકારીઓ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોનું સુચારુ સંચાલન સોંપવામાં આવ્યું હતું. આમ સમગ્ર રાજય સહિત પાટણ જીલ્લામાં ધો.૧૦-૧૨ ની બોર્ડે પરીક્ષાનો શાંતિ પૂર્ણ માહોલમાં પ્રારંભ થતાં તંત્ર એ રાહત અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી