આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લામાં વિવિધ થીમ પર મતદાન મથકોની રચના કરવામાં આવશે.

પાટણ તા. ૧
લોકશાહીમાં યુવાઓનો ફાળો મહત્વનો હોય છે. તેથી યુવાઓનો મત પણ એટલો જ મહત્વનો ગણાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં યુવાઓ વધુ ને વધુ મતદાન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નો કરે છે. યુવાઓમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાનના દિવસે તેઓ માટે ખાસ યુવા સંચાલિત મતદાન મથકની વ્યવસ્થા પણ પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવશે..

તદ ઉપરાંત જિલ્લામાં વિવિધ થીમ આધારીત મૉડલ બુથ પણ બનાવવામાં આવશે. જેમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, હેરીટેજ થીમ આધારીત મતદાન મથક ઉપરાંત વિવિધ થીમ આધારીત મતદાન મથક બનાવવામાં આવનાર છે.લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાની કામગીરીથી લઈને અનેક મતદાન મથક તૈયાર કરવાની, મતદાન મથક પર તમામ બંદો બસ્ત ની કામગીરી વગેરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લામાં ચૂંટણી સમયે લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધે તે માટે વિશેષ મતદાન મથકો અંતર્ગત યુવા સંચાલિત મતદાન મથક અને મૉડલ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે. જેમાં યુવાઓને આકર્ષવા માટે ખાસ ૧૬-રાધનપુર મતદાર વિસ્તારમાં સરદારપુરા-૧ ખાતે યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવશે.આ મતદામ મથક પર પોલીંગ અને સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ ચૂંટણી સ્ટાફમાં ફક્ત યુવાઓ રહેશે.યુવા સંચાલિત મતદાન મથકોમાં યુવા કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. તદઉપરાંત ૧૬-રાધનપુર, ૧૭-ચાણસ્મા, ૧૮-પાટણ અને ૧૯-સિદ્ધપુર એમ ચાર મતદાર વિભાગ દીઠ ૧ એમ કુલ ૪ મોડલ બુથ પણ ઉભા કરવામાં આવશે.જે વિવિધ થીમ આધારીત મતદાન મથક રહેશે.