સ્થળાંતરીત કામદાર મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે મતદાનના દિવસે તેઓને સવેતન રજા અપાશે…

પાટણ તા ૨
લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરમાં વધુ ને વધુ લોકો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે તે અર્થે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કેટેગરીના મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચાલતી પ્રવૃતિઓ અંતર્ગત જિલ્લા ના સ્થળાંતરીત મતદારોને પણ આવરી લેવામાં આવ્યા છે. જે મતદારો પાટણ જિલ્લામાં ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે પરંતુ તેઓનો મતદાર વિસ્તાર જિલ્લા બહાર નો છે તેવા મતદારો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે.

થોડા સમય અગાઉ જ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની અધ્યક્ષતા માં ખાનગીક્ષેત્ર ના માલિકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા અને જિલ્લા બહાર મત વિસ્તાર ધરાવતા કામદાર મતદારો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવા માટે વાત કરી હતી. તેથી આ કામગીરીના અનુસંધાને નોડલ ઓફિસર સ્થળાંતરિત મતદાર અને સરકારી શ્રમ અધિકારી મનસ્વીબેન કથીરીયા દ્વારા પાટણ જિલ્લાના ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત લઈને સંસ્થાના જવાબદાર પ્રતિનિધિને મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા માટે ની સમજણ આપવામાં આવી હતી. તેમજ તેઓની પાસે આ બાબતના બાંહેધરી પત્રક પણ ભરાવવા માં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને તમામ ખાનગીક્ષેત્રના માલિકોને તેઓના સ્થળાં તરીત કામદાર મતદારો પાસે અવશ્ય મતદાન કરાવવા માટેનું સુચન કર્યું હતુ.