પાટણ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા માતાઓ પાસે પરિવાર સાથે મતદાન કરવાના સંકલ્પ પત્રો ભરાવવા ઝુંબેશ શરૂ કરાઈ..
પાટણ તા. ૬
લોકશાહી સામાન્ય ચૂંટણી – 2024 એ લોકશાહીનો અવસર છે. તેથી આ અવસરમાં સહભાગી થવું સૌની નૈતિક ફરજ છે. તા.7 મેંના રોજ રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. તેથી મતદાનની પ્રક્રિયા પહેલાં લોકો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને તમામ કેટેગરીના મતદારોને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે.
આ પ્રયત્નોના ભાગરૂપે જિલ્લામા મહિલા મતદાનની ટકાવારી પુરૂષ સમોવડી રહે તેવા આશય સાથે તંત્ર દ્વારા જિલ્લાની 1.36 લાખ માતાઓને પોતાના પરિવાર સાથે મતદાન કરવામાં આવે તેવા સંકલ્પ પત્રો ભરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરના લો – ટર્ન આઉટ ધરાવતા મતદાન મથકોના નજીક ના વિસ્તારો માં માતાઓએ સંકલ્પ પત્રો પર સહી કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં કેટલાક ગામડાઓ લો ટર્ન આઉટ ધરાવતા સરહદી વિસ્તાર હોવાથી મતદાનની ટકાવારી ઓછી જોવા મળતી હોય છે.
તેથી જિલ્લા વહીવટીતંત્ર આવા વિસ્તારો પર વધારે ધ્યાન આપી આવા વિસ્તારોમાં વસતા ગ્રામજનોને મતદાનનું મુલ્ય સમાજાવવામાં આવી રહ્યું છે. તેમજ મતદાનના દિવસે કોઈ પણ જાતનું કામ મુકીને માતાઓ પોતાના પરિવાર સાથે મતદાનને પ્રાધાન્ય આપે તેવા ઉદેશથી હાલમાં જિલ્લા ની 1.36 લાખ માતાઓ પાસે મતદાન સંકલ્પ પત્રો ભરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાનું ચુટણી વિભાગના નાયબ મામલતદાર રજનીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી