પાટણ તા. ૨૦
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર વિદ્યાલયનું મુખપત્ર અભિનવ દશૅન ના ત્રીજા અંકનું વિમોચન શનિવાર ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના ઉપાધ્યક્ષ અને નિવૃત્ત નાયબ મામલતદાર અરૂણભાઈ પાધ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અંકમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રોત્સાહન મળે એ હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચાના અંશો શૈક્ષણિક લેખ સ્વરૂપે તથા રામ નવમી ના દિવસે ભગવાન શ્રીરામને સૂર્ય તિલક કર્યું એનું વૈજ્ઞાનિક તથ્ય તેમજ વિદ્યાલયની ગતિવિધિઓ, હિન્દુ જીવન શૈલીમાં વિજ્ઞાન અને સોળ સંસ્કાર પૈકી ત્રીજા સીમંતોન્નયન સંસ્કારનું મહત્ત્વ અને ડૉ. અબ્દુલ કલામ લિખિત અગનપંખ પુસ્તકનો પરિચય, પૂર્વ છાત્રની સક્સેસ સ્ટોરી, વિદ્યાલયને પુસ્તક ભેટ આપનાર ની આભારવિધિ, વિદ્યાલયની ધુરા સંભાળનાર પ્રધાનાચાર્યોની યાદી, ખેલ મહાકુંભ માં વિજેતા વિદ્યાર્થીઓની યાદી તથા વિદ્યાલયની વિશેષતાઓની માહિતી દર્શાવવામાં આવી છે.
આ પ્રસંગે વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રુપેશભાઈ ભાટિયાએ અભિનવ દર્શન અંકની પ્રસ્તાવના રજૂ કરી હતી તેમજ વિમોચન કર્તા અરુણભાઈ પાધ્યાએ વિદ્યાલયના મુખપત્રની પરંપરાની પ્રશંસા કરી વિદ્યાર્થી ઓ ને પરીક્ષામાં સારા ગુણ મેળવવાની શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાલયના ધો ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ, આચાર્ય ગણ તથા શ્રી વિદ્યોત્તેજક મંડળના ટ્રસ્ટી મનુભાઈ પટેલ તથા વિદ્યાલયના માર્ગદર્શક રમેશભાઈ જોશી ઉપસ્થિતિ રહ્યા હતા. વિદ્યાલય ના દીદી શિલ્પાબેન વ્યાસે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી