મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે બાલીસણા ખાતે જનસભા યોજાઈ..
પાટણ તા. ૨૧
લોકસભા 2024 ની ચૂંટણી ના પડધમ વાગી ચુક્યા છે ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કામગીરી તેજ બનાવવામાં આવી છે ત્યારે પાટણ લોકસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રથમ જાહેર સભા પાટણ તાલુકાના બાલીસણા ગામે રામજી મંદિર ચોકમાં આયોજિત કરવામાં આવી હતી.
બાલીસણા ખાતે આયોજિત આ જનસભા
માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર ભારત વર્મા થઈ રહેલા અવિરત વિકાસ ના કારણે દેશ બદલાઈ રહ્યો હોવાનુ જણાવી ભાજપ સરકાર ની યોજનાઓ ગામડે ગામડે પહોંચી છે ત્યારે આગામી 2024 ની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન પદે હેટ્રિક નોંધાવી ત્રીજી વખત વડાપ્રધાન પદે 400 સીટો કરતાં વધુ સીટો સાથે બિરાજમાન થનાર હોવાનું જણાવી પાટણ બેઠકના ઉમેદવાર ભરત સિંહ ડાભીને સૌથી વધુ મતોની લીડ
થી જીતાડીને પાટણનું એક કમળ દિલ્હી મોકલી આપવા સૌને આહવાન કર્યું હતું.
પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે બાલીસણા ખાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભવાની માતા મંદિરના દર્શન પૂજન કર્યા બાદ રામજી મંદિર ચોક ખાતે આયોજિત કરાયેલ વિશાળ જાહેર સભાને સંબોધી હતી.
જેમાં તેમણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ આગળ વધી રહ્યો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત વિકસિત ભારત તરફ આગળ વધવાનો રોડ મેપ તૈયાર થનાર છે.
પહેલા ચુટણી સમયે લોકોને એવી ચિંતા રહેતી હતી કે આપણા દેશનો વિકાસ થશે કે કેમ? દેશની સ્થિતિમાં સુધારો આવશે કે કેમ ? પરંતુ છેલ્લા દસ જ વર્ષમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને દેશનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. અને 11 મા ક્રમની તાકાતમાંથી ભારત પાંચમાં ક્રમે આવી છે અને હજુ પણ નરેન્દ્રભાઇ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે એટલે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા ક્રમનું મોટું અર્થતંત્ર બનશે.
તેમણે કહ્યું કે વિશ્વની આર્થિક તાકાત નરેન્દ્ર ભાઇ મોદી સતત મજબૂત બનાવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં બદલાવ આવ્યો છે.
પહેલા દેશના 50% ગામો પણ સડકથી જોડાયેલા ન હતા પરંતુ આજે સો ટકા ગામડા રસ્તાની સગવડથી જોડાયા છે. 1947 થી 2014 સુધીના સાડા છ દાયકામાં દેશમાં રેલવેનું વીજળીકરણ 21,500 કિલો મીટર હતું જે 2014 થી 2024 સુધીમાં 38, 650 કિ. મી. થયું છે.
પીએમ આવાસ યોજના અંતર્ગત ગરીબોને ચાર કરોડ મકાન આપ્યા છે અને હજુ બીજા ત્રણ કરોડ આવાસ આપવાના છે. દેશમાં 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા ટ્રેન વંદેભારત 100 ટ્રેનો દોડતી કરાઈ છે.
પહેલા દેશમાં 74 એરપોર્ટ હતા જે વધીને આજે 158 કરાયા છે. દેશમાં 7 આઇઆઇટી, 15 AIMS, 319 નવી મેડિકલ કોલેજ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓની સીટોમાં પણ વધારો કરીને 1,08,900 સીટો ઉપલબ્ધ કરાવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે સેવા અને સુશાસન સાથે સરકારનો વહીવટ ચાલી રહ્યો છે.
ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે હેલ્થ સેક્ટર આજે મજબૂત બન્યું છે. ગુજરાતમાં 40 મેડિકલ કોલેજો સાથે 7000 સીટો કરવામાં આવી છે જેના કારણે તમામ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની સુવિધા મળી રહી છે અને હજુ પણ જ્યાં ખૂટતી કડી છે તે પૂરી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે યોગાથી આયુષ્યમાન એ છેવાડાના માનવી માટે શાંતિનું પ્રતીક બન્યું છે.
હેલ્થ માટે આયુષ્માન ભારત યોજના એ શાંતિ માટેની ગેરંટી બની છે. સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં આયુષ્માન ભારત યોજનાથી અનેક લોકોને આરોગ્યની અદ્યતન સારવાર સેવા મળી રહી છે. આરોગ્યની આ વ્યવસ્થા એ દુનિયાની સૌથી મોટી યોજના બની છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે નાનામાં નાના માણસ માટે વ્યવસાય કરવા માટે કોઈ ગેરંટેડ ની જરૂર ના પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ગેરંટેડ બનીને મુદ્રા યોજના અમલી બનાવીને 30 લાખ કરોડની લોન સહાય આપવામાં આવી છે.
મોદીની ગેરંટીથી નાના ફેરિયાઓને પણ લોન મળતી થઈ છે. બેરોજગારીથી રોજગારી સર્જન ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2003માં મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું જેના પરિણામે આજે દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત બનેલ છે અને તેના કારણે રોજગારીમાં વધારો થયો છે,
ગુજરાત રોજગારી ક્ષેત્રે નંબર વન બન્યું છે. દસ વર્ષનો આ ટ્રેક રેકોર્ડ છે. ત્રીજી વખત વડા પ્રધાન બનીને નરેન્દ્ર મોદી એ વિકસિત ભારત તરફ આગળ વધવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારત યોજનાનો જિક્ર કરતા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત રથ ગામે ગામ પહોંચાડી વડાપ્રધાને છેવાડાના માનવી સુધી ઘેર બેઠા વિવિધ વિકાસ અને જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભ પહોંચાડ્યા છે.
નાનામાં નાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે તેવો સરકારનો પ્રયાસ રહ્યો હોવાનું તેમને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સૂર્ય ઉર્જા, બુલેટ ટ્રેન, ગગનયાન, સેમી કંડકટર હબ આ બધું પણ વર્તમાન સરકારમાં વડાપ્રધાનના નેતૃત્વમાં સાકાર બન્યું છે. તેમણે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી મતોની લીડ થી વિજેતા બનાવવા અપીલ કરી હતી.
બાલીસણા ખાતેની આ વિશાળ જનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ અને પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, પાટણ લોકસભા બેઠકના પ્રભારી અશોક જોશી, સંયોજક નંદાજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ખેરાલુના ધારા સભ્ય સરદાર ચૌધરી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથ જી ઠાકોર, રણછોડભાઈ દેસાઈ, મોહન ભાઈ પટેલ , સ્નેહલ પટેલ તેમજ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો,કાર્યકરો અને પ્રજાજ નો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી નું વિવિધ મોમેન્ટ દ્રારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી