આંગણે પહોંચ્યું પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર..
જિલ્લામાં 85 થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને મતદાન કરાવવા તંત્ર તેઓના ઘરે પહોચ્યું..
પાટણ તા. ૩૦
ગુજરાતમાં લોકશાહીના અવસરને હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. પાટણ જિલ્લાવાસીઓ આ તહેવારને ઉજવવા માટે આતુર છે. ત્યારે આ પર્વને અવસરમાં ફેરવવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રવૃતિઓ થકી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નો ના ભાગરૂપે જિલ્લા ચૂંટણીતંત્ર અશક્ત મતદારોના ઘરઆંગણે પહોંચ્યું છે. વયોવૃદ્ધ લોકો અને દિવ્યાંગો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વ્યવસ્થા ના ભાગરૂપે પાટણ જિલ્લામાં લોકોએ ઘરે બેઠા વોટીંગ કર્યું છે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ જનો તેમજ દિવ્યાંગ ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લા ચૂંટણીતંત્ર તેઓના ઘરે પહોંચ્યું હતુ.
જિલ્લાના 85 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કુલ 263 અને શારીરિક રીતે અશક્ત હોય તેવા 69 દિવ્યાંગ મતદારોએ ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. પાટણ જિલ્લામાં વિધાનસભા દીઠ સંખ્યાની વાત કરીએ તો 16-રાધનપુરમાં કુલ 82 વયોવૃદ્ધ લોકોએ તેમજ 16 દિવ્યાંગ મતદારોએ હોમ વોટીંગ કર્યું છે. 17-ચાણસ્મા મતવિભાગમાં 56 વડીલો અને 17 દિવ્યાંગત મતદારો, 18-પાટણમાં 79 વડીલો અને 28 દિવ્યાંગ મતદારો, તેમજ 19-સિદ્ધપુરમાં 46 વડીલો અને 8 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટ મારફતે પોતાનો કિમતી મત આપીને લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા છે. આમ જિલ્લામાં થયેલ કુલ હોમ વોટીંગ ની સંખ્યા પર નજર કરીએ તો 332 મતદારોના ઘરે ચૂંટણીતંત્ર પહોંચ્યુ હતુ. અને આ મતદાતાઓએ ઘરે બેઠા મત આપ્યો છે.
અહેવાલ યશપાલ શ્યામી