પાટણ તા. ૨
પાટણ ના સાંતલપુર તાલુકાના બામરોલી અને દહેગામડા વચ્ચે ચાલતા સોલાર અને પવન ચકકી ની કામગીરી ના વિરોધમાં ઉપરોક્ત ગામના લોકોએ સરપંચની આગેવાની હેઠળ વારાહી પોલીસને આવેદનપત્ર આપી ઉપરોક્ત કામગીરી રોકાવા માટે રજુઆત કરી હતી. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બામરોલી ગામ થી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવન ચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતી હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવા નો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી ખેડૂતો ના થનાર નુકસાન ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત કામગીરી રોકાવા રજુઆત કરી હતી. આ મામલે બામરોલી ગ્રામ પંચાયત ના સરપંચના પતિ ચંદાજી ઠાકોરે જણાવ્યું હતું.
કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપની ની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લિધા વગર કંપની દ્વારા કરવા માં આવે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની પુરેપુરી શક્યતા હોય જેથી આ કામગીરી તાત્કાલિક ધોરણે રોકવા રજુઆત કરી હતી.તો આ કામગીરી બંધ કરાવવા પાટણ જિલ્લા કલેકટર અને ગુજરાત ના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી