પાટણ તા. ૨
પાટણ શહેરના વનાગવાડા વિસ્તારમાં એક જ મહોલ્લામાં સામે સામે રહેતા પડોશીઓ વચ્ચે થૂંકવા જેવી નજીવી બાબતે ગતરાત્રે થયેલી બોલાચાલી ની ધટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પડોશીએ પડોશી ના બાઈકને આગ લગાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ ઘટનાની મળતી વિગતો મુજબ પાટણના વનાગવાડામાં રહેતા અને બુકડી વિસ્તારમાં એક ક્લિનીક માં નોકરી કરતાં ઇબ્રાહિમ શેખ રાત્રે તેમના દિકરા સાથે બાઈક પર બજાર માંથી ઘેર આવતા હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા અયાનખાને મહોલ્લાનાં ઇબ્રાહિમભાઈ પાસે આવીને થૂંકતાં તેમનાં દિકરાએ અયાનને તું કેમ અમારી આગળ થૂંક્યો?’ તેમ કહેતાં ઉશ્કેરાયેલા અયાને ગાળો બોલી હતી ને તેનું ઉપરાણું લઈને સમીરખાન, અયુબખાન, માહિજખાને આવી ગયા હતા. જ્યારે ઇબ્રાહિમ શેખની પત્નિ અને તેમના બે ભાઈઓ પણ વચ્ચે આવતાં તેઓને ગડદા પાટુનો માર મારી “હવે અમારા સામે બોલશો તો મારી નાંખીશું” તેવી ધમકી આપી હતી.
લોકોએ તેમને સમજાવીને કાઢયા હતા. આ લોકો ઇબ્રાહિમભાઈનાં કુટુંબી હોવાથી તેઓએ કાર્યવાહી કરી નહોતી અને તેઓ ઘેર જઈને સૂઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે મહોલ્લાના રહિશો એ ઇબ્રાહિમ શેખને ઉઠાડીને કહેલ કે“તમારું બાઈક સળગે છે” તેમ કહેતાં તેમણે ઘરની બહાર સળગતા બાઈકને પાણી છાંટી ને ઓલવ્યું હતું ત્યારબાદ તેમનાં ઘરની સામે આવેલી ઉસ્તાદ બાવાની મસ્જિદમાં જઇને સી.સી. ફૂટેજ જોતાં તેઓને જાણવા મળ્યું હતું કે, ગઈ રાતનાં ઝઘડાનું મન દુ:ખ રાખીને આજે વહેલી સવારે સાડા ચાર થી પાંચ વાગ્યા દરમ્યાન અયાનખાનનાં ફોઇનાં દિકરા સહિત અન્ય ત્રણ જણાએ તેમનાં ઘર આગળ પાર્ક કરેલ બાઇકને પેટ્રોલ છાંટી સળગાવ્યું હતું.
અને બાઈકની સીટ અને તેની નીચેનાં ભાગે રૂા.8000નું નુકશાન થયું હતું. આ બનાવ અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ જણા સામે આઇપીસી કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી