પાટણ નગરપાલિકાના સતાધીશોની નિષ્ક્રિયતાને લઈને પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલમાં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું..

પાટણ તા. ૧૪
પાટણ નગરપાલિકાના સત્તાધીશો પાટણના નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નિવડિયા હોય તેવી પ્રતીતિ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર પાટણ શહેરને પાણી પુરૂ પાડતી પદ્મનાભ ચાર રસ્તા નજીક થી પસાર થઇ ને સિધ્ધી સરોવરને જોડતી નહેરમાં અસહ્યં ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું છે.

છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ નેહરની સફાઈ કામગીરી હાથ નહીં ધરાવતા પાટણના નગરજનોને પૂરું પાડતું પાણી દૂષિત બની રહ્યું છે. જેને લઈને શહેરીજનોમાં રોગચાળો ફેલાવવાની ભીતી પણ પ્રબળ બનવા પામી છે.

પદ્મનાભ ચાર રસ્તા નજીક થી પસાર થતી કેનાલમાં ધાર્મિક વિધિમાં ઉપયોગ લેવાયેલ ચુંદડી, શ્રીફળ, નાડા છડી સહિત અન્ય ગંદકી પણ ખદબદી રહી હોય જેના કારણે આજુ બાજુના વેપારીઓ સહિત પદ્મ નાભ ચાર રસ્તા પિક અપ સ્ટેન્ડ પર ઉભા રહેતા મુસાફરો તેમજ વાહન ચાલકો સાથે પદ્મનાભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને દિવસભર અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા સત્તાધીશો દ્વારા પદ્મનાભ ચાર રસ્તા પાસેથી પસાર થતી કેનાલની નિયમિત પણે સફાઈ કામ ગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકોમાં પ્રબળ બનવા પામી છે.