પાટણ તા. ૧૩
પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ સામે હાઇકોર્ટમાં ગંભીર આક્ષેપો સાથે અનેક અરજીઓ કરવામાં આવી છે. અનેક લોકોને ડરાવી-ધમકાવીને અને દબાણ કરીને ગુના આચરતા હોવાના અનેક આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા હોય જેની સુનાવણી જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટ સમક્ષ હાથ ધરાતા કોર્ટે આઇપીએસ અને પોલીસ અધિકારી ઓની આકરી ઝાટકણી કાઢી હતી.
કોર્ટે એવી ટકોર કરી હતી કે આઇપીએસ અધિકારી પોતાની જાતને કાયદાથી ઉપર સમજે છે. તેમની રાજકીય વગ ખૂબ ઉચ્ચસ્તર સુધી હોવાનું જણાઈ આવે છે.ત્યારે પાટણ જિલ્લા પોલીસ વડા આઈ પી એસ ડો. રવીન્દ્ર પટેલે કોઈની પાસેથી નાણાકીય લેવડ દેવડ મામલે ધાક ધમકી આપી હતી અને હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાની સામે કેસ ચાલુ છે છતાં પોતાની દાદાગીરી કરીને નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા છે.
લોકોને એવો સંદેશો ના મળવો જોઈએ કે કોર્ટે તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. કોઇપણ આઈપીએસ સત્તાનો દુરપયોગ કરીને લોકોને કનડગત કરી શકે છે. કોર્ટ ગમે તેવા લાગવગ ધરાવતા આઈપીએસને તેની ચરબી ઉતારી શકે છે.
અનેક અરજીઓ કરાઈ હોય છતા પોલીસ તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધતી નથી. સિનિયર કાઉન્સિલ જાલ ઉનવાલાએ એવી રજૂઆત કરી હતી કે, તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને તેમની સામેના આક્ષેપોની તપાસ આઇ.જી સ્તરે થવી જોઈએ.
કોર્ટે તપાસ કરીને તાત્કાલિક તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. સાથે ટકોર કરી હતી કે, પોતાને મળેલી સત્તાનો દુરપયોગ કરીને નિર્દોષ લોકોને દબાવવાના ગુનાને માફ કરી શકાશે નહી.
કેસની તપાસ તટસ્થ રીતે થવી જ જોઈએ. જે આઈપીએસ આરોપી છે તેની ઉપરના અધિકારીને તપાસ સોંપવાની રહેશે નહીતર આ ઓફિસર તેને પણ દબાવી દેશે.હાઇકોર્ટે આઈપીએસની સામે ઇન્કવાયરી સોંપી દીધી છે.હાઇકોર્ટે ગૃહવિભાગને એવો સવાલ કર્યો છે આવી નિમ્ન કક્ષાના આઈ પી એસ ઓફિસરને આ હોદ્દા પર રાખવા જોઈએ?
પબ્લિક પ્રોસિકયુટર સિનિયર એડવોકેટ મિતેશ અમીને કોર્ટને ખાતરી આપી હતી કે હજુ તપાસ શરૂ થઇ છે. કોર્ટે આઇપીએસ સામે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે તેની હિમંત કેવી રીતે થઇ ફોન કરીને લોકોને બ્લેકમેઇલ કરવાની? તેની સામે પોલીસ એફઆઇઆર પણ નોંધતી નથી.
અહેવાલ યશપાલ સ્વામી