પાટણ તા. ૧૫
સમી તાલુકાનાં અદગામ ગામે તા. ૧૨-૮-૨૦૧૯નાં રોજ રાત્રે વિવિધ ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલી સમી પોલીસનાં કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરનારા બે આરોપી પૈકી હયાતખાન અલુભાઈ સાહેબખાન ડફેર સિંધી (સોરા) (ઉં.વ. ૩૬)ને રાધનપુરની એડિશ્રલ સેસન્સ કોર્ટનાં જજ આર.આર. ચૌધરીએ તેની સામેનાં આઈપીસી ૩૩૩ આરોપસર મુખ્ય સજા તરીકે છ વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો. જયારે આઇપીસી ૨૨૪, ૨૨૫, ૩૫૩ અંતર્ગત એક-એક વર્ષની કેદ અને પ્રત્યેક કલમમાં રૂા. ૨૦૦૦-૨૦૦૦નો દંડ મળી કુલ રૂા. ૧૧ હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે આરોપી સામેની આઈપીસી ૧૮૯/૩૦૭/
૩૨૩/૩૨૪/૩૩૨/ ૫૦૪ અને ૫૦૬ (૨)માંથી શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસની વિગતો એવી છે કે, સમી પોલીસનાં હેડ કોન્સ્ટેબલ લાલભાઈ ચેહા ભાઈ, કોન્સ્ટેબલ ખોડાભાઈ, ભરતભાઈ, દિલીપ સિંહ વિગેરેને મળેલી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૫નાં લૂંટ-ઘાડનાં ગુનામાં નાસતા ફરતા આરોપી હયાતખાન અલુ સીંધી ડફેર અને કોસંબા પોલીસ સ્ટેશનનાં ૨૦૦૨નાં લૂંટ-ધાડના ગુનામાં નાસતા ફરતા સલીમ ઉર્ફે ભુગર અલુ સિંધી કે જેઓ બકરી ઈદ નિમિત્તે પોતાનાં વતન સમીનાં અદગામ ખાતે આવેલાં હોવાની બાતમી આધારે તેઓનાં ઘરે રાત્રે તેમને પકડવા માટે જતાં પોલીસ કર્મી ઓ ઉપર ધારીયું ઉગામતાં અને પોલીસ ઉપર ધસી આવી ભાલાથી મારવાનો પ્રયાસ કરતાં પોલીસે હયાત સિંધીને ભાલા સાથે પકડી પાડયો હતો. જ્યારે તેનો ભાઈ ભુગર સિંધી નાસી ગયો હતો.
આ ઝપાઝપીમાં પોલીસ કર્મી દિલીપસિંહ તથા ભરતભાઈને ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ રાધનપુરની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં જજ આર. આર. ચૌધરીએ બંને પક્ષોની રજૂઆતો સાંભળી સરકારી વકીલ શંકરભાઈ કે. પટેલની રજૂઆતો ધ્યાને લઈને આરોપી હયાતખાન સિંધીને મુખ્ય સજા તરીકે છ વર્ષની સજા ફટકારી હતી.
જજે પોતાનાં ૪૯ પાનાનાં ચૂકાદામાં જણાવ્યું હતું કે, આ કેસનાં ઈજા પામેલો સાક્ષીઓ અને નજરે જોનારાઓનો પૂરાવો વિશ્વાસપાત્ર અને કોઈ દ્વેષભાવ વગરનો છે. તથા તેમનાં પૂરાવા મજબૂત અને વૈજ્ઞાનિક પૂરાવા છે. આરોપીનાં શર્ટ ઉપરથી ઈજાગ્રસ્તનું રુધિર મળી આવ્યું છે. જે વૈજ્ઞાનિક પરીક્ષણમાં મેચ થાય છે અને આરોપીનેબળજબરી
પૂર્વક હથિયાર સાથે પકડવામાં આવ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી