વરસાદી પાણીના નિકાલ માટેની વિરોધ દિશામાં થતી કામગીરીને લઈ વિસ્તારના રહીશો રોષે ભરાયા..
પાટણ તા. ૨૪
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાસવારે ભૂગર્ભ ના ગંદા પાણી, પીવાનું અશુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલના છાશ વારે પ્રશ્નો સજૉતા જોવા મળતા હોય છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા લાલ ભાઈ પાર્ક, કસ્તુરી નગર અને મહાદેવનગર સહિત ની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા ન હોવાથી મહાદેવનગર પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા તળાવ ની સ્થિતિનું નિર્માણ થતું હોય છે.
ત્યારે ચૂંટણીઓ સમયે નેતાઓ આવીને વરસાદી પાણીના નિકાલની હૈયા ધારણા આપ્યા બાદ વોટ લઈ લીધા બાદ આ વિસ્તારમાં ડોકાતા ન હોવાનું પણ સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો હતો અને આજ પછી કોઈપણ નેતાઓએ આ સોસાયટીઓમાં વોટ લેવા ના આવવા પણ અનુરોધ કર્યો હતો.
ત્યારે સોમવારે પાટણ નગરપાલિકા દ્વારા જેસીબી મશીન લઈને ત્રણ-ચાર સોસાયટી માં વરસાદી પાણી ના નિકાલ માટેની ચેમ્બર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત પુરુષોએ વિરોધ નોંધાવી જેસીબી આગળ સૂઈ ગયા હતા અને કોઈ પણ ભોગે મહાદેવ નગર થી આનદ સરોવરમાં ઊંધા પાણીના વેણના નિકાલને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
જોકે આ તમામસોસાયટીઓના વરસાદી પાણીનો વેણ મહાદેવ નગર થી ગુરુકૃપા સોસાયટી તરફ હોવા થી ત્યાં પાણીનો નિકાલ કરવા સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો હતો પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા પાણી નો ઊંધો નિકાલ કરવાનો પ્રયત્ન કરતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકવાની સંભાવના નહિવત હોવા ને લઈ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી પાલિકાને કામગીરી કરતાં અટકાવ્યા હતા અને હલ્લા બોલ કરી મહાદેવ નગર થઈ ગુરુકૃપા સોસાયટી તરફ આ તમામ સોસાયટી ઓના પાણીનો વેણ છે તેમ વરસાદી પાણીનો નિકાલ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
ત્યારે સ્થાનિક મહિલાઓએ ખોદેલા રોડનું પણ સત્વરે પુરાણ કરી સોસાયટીના રહીશોને ખાડામાં પડતા અટકાવવા અનુરોધ કર્યો હતો. તો પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલનો ઊંધો નિકાલ કરવા બાબતે કંઈક પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી