આગામી દિવસોમાં સાત સમુદર પાર વિદેશમાં પણ પટોળા શો-રૂમ કાયૅરત કરાશે..
પાટણ તા. ૨૪
ઐતિહાસિક પાટણ શહેરની સાંસ્કૃતિક ધરોહર સમાન પટોળા હવે પાટણ બહાર મહાનગરોમાં પણ પહોંચી રહ્યા છે. અને આગામી દિવસોમાં દરિયા પારના દેશોમાં પણ પાટણના પટોળાના શોરૂમ ખુલે તે દિશામાં પટોળાના કસબીઓ આયોજન સાથે વિચારણા હાથ ધરી રહ્યા છે.જગ પ્રસિદ્ધ પાટણના પટોળા ની હસ્તકલા અને તેના દ્વારા તૈયાર થતા પટોળાના વસ્ત્રો હવે સભ્ય સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પાટણના પટોળાના કસબી ઓ દ્વારા અમદાવાદ અને મુંબઈમાં પટોળાના શોરૂમ ખોલ્યા બાદ તાજેતર માં દેશની રાજધાની દિલ્હીમાં પણ ડિફેન્સ કોલોની જેવા પોશ એરિયામાં જ્યાં આસપાસમાં બ્રાન્ડેડ શો-રૂમો આવેલા છે એવા વિસ્તારમાં પાટણ ના પટોળાના શો-રૂમ નું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે.
દિલ્હી ક્રાફ્ટ કાઉન્સિલના પ્રમુખ કામયાની જલાન અને સંસ્થાના ટ્રેઝરર તેમજ શ્રીરામ સ્કૂલના જોઈન્ટ વાઇસ ચેરપર્સન રાધિકા ભરત રામ ના હસ્તે દિલ્હી ખાતે પાટણ ના પટોળા શો-રૂમ નો શુભારંભ કરવા માં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે અનેકવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપરાંત પાટણના પટોળાના કસબી અશોકભાઈ સાલવી,નિર્મલ સાલવી, ઉજ્જવલ સાલવી સહિત પટોળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ ના પટોળા શો-રૂમ ના રાજધાની ખાતે પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા નિર્મલ સાલવીએ આગામી સમયમાં વિદેશમાં પણ પાટણના પટોળા નો શો-રૂમ ખોલવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી