પાટણ તા. ૨૪
પાટણ શહેરમાં ૧૨ વર્ષ પૂર્વે બનેલી મારામારી અને ગાળોબોલી ઝપાઝપી કરવાની એક ઘટનાનાં ચાર આરોપીઓ ને પાટણની કોર્ટે સજા નહિં ફટકારતાં તેઓને ત્રણ વર્ષ સુધી કોર્ટે બોલાવે ત્યારે હાજર રહેવા ની શરતે અને આ દરમ્યાન સારી વર્તણુંક જાળવવાની શરતોને આધિન રૂા.૨૫-૨૫ હજારનાં જાત જામીન પર મૂકત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાટણ શહેરમાં ૧૨ વર્ષ પૂર્વે તા.૧૭-૧૦-૨૦૧૨ ના રોજ એક મહિલા સાથે બોલા ચાલી કરી ઝપાઝપી કરી કપડાં ફાડી નાંખી તથા બે તોલાનો સોનાનો દોરો ઝપાઝપીમાં ક્યાંક પડી જતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મહિલાએ નોંધાવેલી આઇપીસી ૩૨૩/ ૫૦૪/ ૫૦૬ (૨)/ ૧૧૪/ ૪૨૭ નાં ગુનાનો કેસ કોટૅમાં ચાલી જતાં આ કેસનો નિકાલ વર્ષો બાદ ગતરોજ આવતાં પાટણની જ્યુડિસીયલ કોર્ટે આ કેસનાં ચાર આરોપીઓ સોયેલ, મહંમદ એહમદ, ખલીલ મહંમદ, હૈદર ખાન રે. મુલ્લાવાડ અને પાંચપાડા પાટણને આઇપીસી ૩૨૩/૪૨૭/૧૧૪નાં ગુનામાં સજા કરવાનાં બદલે આરોપીઓને ત્રણ વર્ષ સુધી તેમને બોલાવવામાં આવે ત્યારે હાજર થવા માટે અને સજા ભોગવવા માટે ઉપસ્થિત થવા તથા તે સમય દરમ્યાન શાંતિ જાળવવા માટે અને સારી વર્તણુંક માટે રૂા.૨૫-૨૫ હજારના જામીન અને જાત મુચરકો રજુ કર્યેથી શરતોને આધિન છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં સરકારી વકીલ સી.એલ.દરજીએ રજુઆત કરી હતી કે, આ રાજ્ય વિરૂધ્ધનો ગુનો છે. ગુનાની ગંભીરતા ધ્યાને લેતાં વ્યાજબી પ્રમાણમાં સજા થવી જોઈએ. આરોપીઓએ કાયદાનું ઉલ્લંઘન કરેલ છે. ને સમાજ દાખલો બેસે તેવા ઉદાહરણ સ્વરૂપે સજા કરવામાં આવે તેનાથી ન્યાયનો હેતુ સચવાશે. આરોપીઓને પ્રોબેશનનો લાભ આ ગુનામાં આપી શકાય નહિં. ત્યારે આરોપીઓનાં વકીલ એન.સી. રંગરેજે રજુઆત કરી કે, આરોપીઓ ટ્રાયલ દરમ્યાન નિયમિત કોર્ટમાં હાજર રહેલા છે. તેઓએ આવો કોઇ ગુનો આચરેલો નથી. જેથી પ્રોબેશનનો લાભ આપવા વિકલ્પે ઓછી સજા કરવા અરજ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી