પાટણ તા. 1
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઇન પ્રવેશ માટે સંલગ્ન સ્નાતક અને અનુસ્નાતક કોલેજોમાં 50% બેઠકો ખાલી રહેતા ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે કોલેજોને છુટ આપવામાં આવી હતી અને તે માટે કોલેજોને તા. 30 જુલાઈ સુધી ઓફ લાઈન પ્રવેશ આપવા માટે મુદત આપવામાં આવી હતી.જે તા. 30 જુલાઈની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તાજેતરમાં ધોરણ 12 ની પૂરક પરીક્ષાના પરિણામ જાહેર થયા હોય પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે યુનિવર્સિટી ને સંલગ્ન કોલેજો દ્વારા રજૂઆત કરવામાં આવતા યુનિવર્સિટી ના કુલપતિ ડૉ.કે.સી. પોરિયાં દ્વારા છાત્રોના હિતમાં પ્રવેશની સમય મર્યાદા લંબાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની સ્નાતક અને અનુસ્નાતક તમામ કોલેજો માં આગામી તા. 10 ઓગસ્ટ સુધી છાત્રો ને પ્રવેશ આપવા માટે કોલેજોને છૂટ આપવામાં આવી છે. જેથી હવે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રવેશથી વંચિત રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ જે તે કોલેજો માં પ્રવેશ મેળવી શકશે. તેવુ યુનિવર્સિટી ના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી