વિદ્યાર્થીઓ પાટણની ઐતિહાસિક ધરોહરની માહિતી સાથે પટોળાના વણાટની કામગીરીથી વાકેફ થયા..
પાટણની 369 વેબ ન્યુઝ અને અણહિલવાડ સાપ્તાહિકના તંત્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટીશર્ટ ભેટ ધરાઈ. .
પાટણ તા. ૧૨
ડીસા યુવક સંઘ સંચાલિત ઓસવાળ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ જુના ડીસાના ઈતિહાસ વિભાગ દ્વારા વિધાર્થીઓને સોમવારે પાટણના ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. કૉલેજ ના પ્રિન્સીપાલ ડો. વિશાલભાઈ બારોટની રાહબરી હેઠળ ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ કે વાણિયા દ્વારા ઈતિહાસ વિષયના 10 હોનહાર વિદ્યાર્થીની રિસર્ચ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણની જાણીતી વેબ ન્યુઝ ચેનલ અને અણહિલવાડ સાપ્તાહિક ના તંત્રી મનિષભાઈ સોલંકી તરફથી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા દરેક પોતાની વેબ ન્યુઝ અને સાપ્તાહિક પેપર ના સિમ્બોલ વાળી ટીશર્ટ ભેટ આપવામાં આવી હતી. આ રિસર્ચ ટીમ દ્વારા પાટણ અને પાટણ નજીકના ઐતિહાસિક સ્થળોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેના ઈતિહાસ, ધર્મ અને સંસ્કૃતિ ને ઉજાગર કરતાં ઐતિહાસિક ધરોહરની માહિતી મેળવી તેની ઉપર રિસર્ચ તૈયાર કરશે. આગામી દિવસોમાં પણ ઉપરોક્ત વિધાર્થીઓ અનેક લાઈબ્રેરી તેમજ ગાંધીનગર દફતર ભંડાર ની પણ રૂબરૂ મુલાકાત લેનાર હોવાનું જણાવ્યું હતું.
સોમવારે વિધાર્થીઓ એ પાલડી મુકામે આવેલ ઐતિહાસિક જાળેશ્વર મહાદેવ મંદિર, સાગોડિયા ગામમાં આવેલ લાલેશ્વર મહાદેવ મંદિર તેમજ અણહિલપુર પાટણ નગરીમાં રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં પાણીની સમસ્યાના નિવારણ માટે પોતાનું બલિદાન આપનાર મેઘવાળ જ્ઞાતિના વિરમાયાદેવ ના સ્મારકે મુલાકાત લીધી હતી તેમજ સોલંકી કાલીન રાણી ઉદયમતી દ્વારા પોતાના પતિ રાજા ભીમદેવ સોલંકીની યાદ માં નિર્મિત ભારતની વાવોપૈકીની ઐતિહાસિક રાણીની વાવ અને સિધ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ સહસ્ત્રલિંગ સરોવરની મુલાકાત લઈ ત્યાંના ઈતિહાસ અને સંસ્કૃતિનું મહત્વ જાણ્યું હતું.
સાથે સાથે પાટણના પ્રખ્યાત પટોળા સાંસ્કૃતિક દ્રષ્ટીએ વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે વિજયભાઈ સાલવી ના પટોળા હાઉસની મુલાકાત પણ વિધાર્થીઓ એ લીધી હતી. ત્યારબાદ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ એટલે સિધ્ધહેમ શબ્દા નુશાસન ની ખરી પ્રત નિહાળવા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી હતી. તો અણહિલપુર પાટણ ના સ્થાપના દિવસેજ સ્થપાયેલા પંચાસરા જૈન દેરાસરની પણ રૂબરૂ મુલાકાત વિધાર્થીઓ દ્રારા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી અને સહભાગી થનાર મારૂં પાટણ ભોજનાલય અને કેફે ના માલિક તેમજ ABVP ના સક્રિય કાર્યકર તેમજ યુનિવર્સિટી ના સિન્ડિકેટ સભ્ય સંદિપભાઈ દરજી, ઈશ્વર ભાઈ પરમાર તેમજ અન્ય નામી હસ્તીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને રિસર્ચ ટીમને તન મન ધન થી મદદરૂપ થયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી