પાટણ તા. ૩૧
પાટણમાં રહેતા એક વેપારીએ એર લાઈન્સ રેટીંગનો બિઝનેસ અને ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને વગર મહેનતે કરોડો રૂપિયા કમાઈ લેવાની લાલચમાં પોતાના ૧.૩૦ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વોટ્સએપ મારફતે આઈ એમ લંડન એરલાઈન્સ રેટીંગ્સ નામની કંપનીના નામે ઠગોએ વેપારીનો સંપર્ક કરીને માત્ર દોઢ મહિનાના સમયગાળામાં ૭૪ જેટલા ટ્રાન્ઝેક્શન કરાવીને કુલ ૧.૩૦ કરોડ રૂપિયા સેરવી લીધા હતા જે બાદ વેપારીને ભાન થયું હતું કે તેઓ ઓનલાઈન ફોડ નો ભોગ બન્યા છે જેથી તેઓએ સાયબર ક્રાઈમ સેલની હેલ્પલાઈન ઉપર ફરિયાદ કરતાં આખરે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પાટણ શહેરની જયવીર નગર સોસાયટીમાં રહેતા અને કોમ્પ્યુટર સેલ્સ સર્વિસની જે. વી.સી. નામની દુકાન ચલાવતા પંકજકુમાર પ્રવિણચંદ્ર ભોગીલાલ ગાંધીના મોબાઈલ ફોન ઉપર જૂન ૨૦૨૩ માં એક મોબાઈલ નંબરના વોટ્સએપથી મેસેજ આવ્યો હતો અને એરલાઈન્સ રેટીંગનો બિઝનેસ કરવા માટે આઈ એમ લંડન એરલાન્સ રેટીંગ નામની કંપની માંથી બોલતા હોવાની ખોટી ઓળખાણ આપીને બિઝનેસમાં મેમ્બર થવાની વાત કરી ઈન્વીટેશન કોડ આપીને લીંક મોકલી ટાસ્ક પૂરા કરવા પડશે અને તે માટે પૈસા રોકવા પડશે તેમ કહીને લાલચ આપતાં પંકજ કુમાર ગાંધી તેઓની વાતોમાં આવી ગયા હતા અને તેઓએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાના શરૂ કરી દીધા હતા. આ જ લાલચ અને ઠગાઈનો સીલસીલો ચાલતો રહ્યો અને જોત જોતામાં માત્ર દોઢ મહિનાના સમયગાળામાં કુલ ૭૪ ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા.
તે બાદ તેઓને પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાનું માલુમ થતાં તેઓએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ ઉપર ફોન કરી ફરિયાદ કરતાં પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છતાં નાણા ખાતામાં જમા ના કરતા છેતરપિંડી થયું હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે વેપારી પંકજભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં જોડાઈને ટાસ્ક પૂર્ણ કરતા રૂપિયા ૧૦ હજાર ના ટ્રાન્સફર સામે રૂ.૧૭ હજાર આવ્યા હતા. ગ્રુપ માના અન્ય સભ્યો હોય તેમના ખાતામાં ૪ લાખ, ૫ લાખ જેવી મોટી રકમ જમા થતી હોવાના મેસેજ પણ પડી રહ્યા હોય તે બધું જોઈને મને લાગ્યું હતું કે આમાં સાચામાં પૈસા મળતા હશે. જેથી પોતે તબક્કાવાર એક બાદ એક મને ટાસ્ક આપતા ગયા અને સેવન સ્ટેજ સુધી ટાસ્ક આપીને લાખો રૂપિયા હું જીતતો હોવાના આંકડા મેસેજમાં બતાવતા હતા. જ્યારે જીત સાથેની રૂ. ૪ કરોડની રકમ મને લિસ્ટેડમાં બતાવતી હતી.
પરંતુ જ્યારે પૈસા ઉપાડવા માટે પ્રયાસ કરતા પેનલ્ટીના નામે પૈસા ભરાવ્યા બાદ પણ જમા ના થતા છેતર પિંડી થઈ રહી હોવાની ખબર પડતાં સાયબર ક્રાઈમ મા ફરિયાદ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. વેપારીએ સાઈબર ક્રાઈમ ના ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ લખાવ્યા બાદ આ મામલે પોલીસની તપાસ શરૂ થઈ હતી અને પોલીસે ટેક્નીકલ સપોર્ટને આધારે અત્યાર સુધીમાં ૯૮૦૦૦, ૩૭૩૩૭ અને ૧રપ રૂપિયા મળી કુલ ૧,૩૫,૪૬૨ રૂપિયા વેપારી ને તેમના એકાઉન્ટમાં પરત અપાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે વેપારીએ ગુમાવેલા બાકીના રૂપિયા સાઈબર ક્રાઈમ પરત અપાવી શકશે કે નહિ તે તો આવનાર સમય જ બતાવશે.
અહેવાલ યશપાલ સ્વામી