પાટણથી ભીલડીની લોકલ ટ્રેનો ચાલુ કરવા, પાટણથી મહેસાણા ટ્રેનમાં સ્પેશિયલ ભાડું ઘટાડવા સંસદસભ્યને રજૂઆત કરાઇ
રેલવે દ્વારા રાજસ્થાનના બિકાનેરથી ઓખા સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે પરંતુ પાટણ સ્ટેશન ખાતે ઉભી રહેતી નથી ત્યારે પાટણ ખાતે સ્ટોપેજ આપવા કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા અમદાવાદના સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીને રજૂઆત કરી છે. તેઓએ તરત જ રેલવે ડીઆરએમને સૂચના આપી છે.
તાજેતરમાં ઉત્તર પશ્વિમ રેલવે દ્વારા 10 જાન્યુઆરીથી દર ટ્રેન નંબર 04715 બિકાનેરથી ઓખા સાપ્તાહિક ટ્રેન શરૂ કરી છે. જે 15:50 કલાકે બિકાનેરથી ઉપડી નૌખા, નાગોર, મેડતા રોડ, જોધપુર, લુની, સમદડી, જાલોર, મારવાડ, ભીલવાડ, રાણીવાડા, ભીલડી, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા, દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.
આ ટ્રેનનું પાટણ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીને રૂબરૂ મુલાકાત કરી પાટણ પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે.હિરવાણીયાએ રજુઆત કરી છે. વધુમાં પાટણથી ભીલડીની લોકલ ટ્રેનો ચાલુ કરવા અને પાટણથી મહેસાણા ટ્રેનનું જે સ્પેશિયલ ભાડું ૩૦ રૂપિયા લેવાય છે તે ઘટાડવા પણ રજુઆત કરી છે.
આ રજૂઆતના પગલે સંસદ સભ્ય ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ રેલવેના ડિવિઝનલ મેનેજરને સ્ટોપેજ આપવા, પાટણ ભીલડી વચ્ચે લોકલ ટ્રેન ચાલુ કરવા અને ભાડામાં ઘટાડો કરવા બાબતે ઘટતું કરવા માટે સુચિત કર્યું છે.