પાટણ તા. 24
પાટણ જિલ્લાના ચાણસ્મા ના જૂના રબારી વાસમાં આવેલા શ્રી ગોગા મહારાજના સ્થાનકે યોજાયેલી રમેણ માં જોવાયેલા વરતારા મુજબ આગામી વર્ષ માં ચોમાસા માં સારો વરસાદ થતાં નવું વર્ષ ખેડૂતો માટે એકંદરે સોળ આની એટલે કે લાભદાયી રહેશે તેવું મંદિર ના ભૂવાજીએ જણાવ્યું હતું.ચાણસ્માના 1200 વર્ષ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે માલધારી સમાજ, ખાંભલ્યા પરિવાર દ્વારા ચૈત્ર મહિનામાં કરાતી પરંપરાગત રમેણ ગોગા બાપાના સાનિધ્યમાં યોજાઇ હતી.
જેમાં ઉત્તર ગુજરાત સહિત ચૌદે પરગણાંના ભુવાજીઓ ભક્ત સમુદાય સાથે પધાર્યા હતા. આખી રાત ધૂન અને સુખ-દુઃખની પૂછાવટ ચાલી હતી. સવારે પ્યાલા પીવાની અને ફુલેકુ દેવાની રસમ નિભાવાઇ હતી. તેમજ નવા વર્ષનો વરતારો જોવાયો હતો.
ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, આગામી ચોમાસામાં અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ખૂબ સારો વરસાદ પડશે. વાવણી લાયક અને સમયસર વરસાદથી ધન-ધાન્ય સારાં પાકશે. જોકે, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ આવી શકે છે.
લોકોનું આરોગ્ય જળવાઇ રહેશે. ખેડૂતો માટે એકંદરે વર્ષ સોળ આની રહેશે. આ પ્રસંગે કોરોનામાં સપડાયેલા ભુવાજી મહેન્દ્રભાઇ સ્વસ્થ બને તે માટે દેવકાપડી ગામના અમરતભાઇ રબારીએ રાખેલી ગોળતુલા કરી બાધા પૂરી કરી હતી. રમેણમાં પધારેલા ભુવાજીઓનું ગોગા મહારાજ પરિવારના પરેશ દેસાઈ, હસુભાઇ પૂજારી સહિત માલધારી સમાજના આગેવાનો દ્વારા સામૈયું કરાયું હતું.