શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ ગુરુનગરમાં વૃદ્ધ બ્રહ્મ દંપતી સાથે બનેલ બનાવો..
લિક્વિડ વેચવાના નામે લોકોને ઠગવા નીકળેલી ટોળકીનો શિકાર અન્ય લોકો ન બને તે માટે જાણવા જોગ અરજી અપાય..
પાટણ તા. 26
પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડથી લીલી વાડી તરફ જવાના માર્ગ પર આવેલ ગુરુનગર સોસાયટીની પાંચમા નંબરની ગલીમાં રહેતા બ્રહ્મ સમાજના વૃદ્ધ દંપતિને લિક્વિડ વેચવાના બહાને આવેલા બે ઠગ ઇસમો છેતરીને ફરાર થાય તે પહેલા પરિવારના વડીલ ની સમય સૂચકતાને કારણે બંને ઈસમો રફુચક્કર થઈ ગયા હતા.
આ બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં ઠગ ટોળકી સક્રિય બની હોય તેમ લિક્વિડ વેચવાના બહાને મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારોમાં બપોરે 11 થી 12 ના સુમારે ઘરે મહિલાઓ એકલી હોય તે સમયનો લાભ લઇ લિક્વિડ કંપનીની જાહેરાત માટે મફતમાં લિક્વિડ આપવાના બહાને મહિલાઓને પોતાની વાતોમાં લઈ લિક્વિડ દ્વારા મહિલાઓએ પહેરેલા ઘરેણા જેવા કે બંગડી,વીંટી, બુટ્ટી સાફ કરવાના બહાને ઉતરાવી લિક્વિડ માં ડબોળી આ ઠગ ટોળકી મહિલાઓના દાગીના લઈને રફુચક્કર થતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.
ત્યારે રવિવારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ થી લીલી વાડી તરફ જવાના માર્ગ પર આવેલ ગુરુનગર સોસાયટી ની પાંચમી ગલીમાં બ્લોક નંબર 66 માં રહેતા વસુબેન કિર્તીભાઈ જોશી નામની 66 વર્ષીય મહિલા ને બે નવ યુવાન લાગતા વ્યક્તિઓએ લિક્વિડ કંપનીની જાહેરાત માટે આવ્યા હોય તેમ જણાવી પ્રથમ કિર્તીભાઈ જોશી ઉ. વ. 71 ની હાથમાં પહેરેલી ચાંદીની વીંટી આ લિકવિડ માં નાખીને ચક ચકાટ બનાવી પરત કરી હતી. ત્યારબાદ વસુબેન ને પોતાના હાથમાં પહેરેલી બંગડીઓ કાઢી સાફ કરવા માટે માંગતા તેઓએ પોતાની જાતે બંગડીઓ ઉતારી આપી હતી.
અને જે બંગડીઓ ઉપરોક્ત બંને વ્યક્તિઓએ લિક્વિડના પાણીમાં બરોબર ઉકાળી હતી તે દરમિયાન બંગડીનો કલર બદલાતા વસુબેનના પતિ કિર્તીભાઈએ પોતાની પત્નીની બંગડી ધોવડાવી નથી તેમ જણાવી લિક્વિડમાં નાખેલ બંગડીઓ અને લિક્વિડ બંને લેવાનો પ્રયાસ કરતા ઉપરોક્ત બંને ઇસમો વડીલ કિર્તીભાઈ ની વાત ઉપરથી પોતાની પોલ પકડાઈ જાય તેમ હોય અને લોકોના ટોળા એકત્ર થાય તે પહેલા બંને ઈસમો એ દોડ લગાવી સોસાયટીના નાકે બાઈક લઈને ઉભેલા વ્યક્તિના બાઈક પાછળ બંને જણા બેસીને રફુચક્કર થયા હતા.
જો કે આ બનાવવામાં વસુબેનની બંગડીઓ નો કલર બદલાયો હોય અને અન્ય લોકો આવા લિક્વિડ વેચવા વાળા ના નામે ભોગ ન બને તે માટે કીર્તિભાઈ જોશી એ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ જાણવા જોગ અરજી આપીને પોતાની સઘળી હકીકત જણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે લિક્વિડ વેચવાના બહાને લોકોને ઠગવા નીકળેલ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ સોસાયટી ના અન્ય રહીશો ને થતા વસુબેન કિર્તીભાઈ જોશીના મકાન આગળ ટોળે વળ્યા હતા. જોકે આ બનાવ માં પરિવારના કોઈ દર દાગીના ન લુટાતા વડીલ દંપતી સહિતના સોસાયટીના રહીશોએ હાસકારો અનુભવ્યો હતો.