ચાલુ સાલે 12:39 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાશે તો રથ ની હાઈટ બે ફૂટ વધારવામાં આવી..
દરેક મસ્જિદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે:મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ગંજીપીર ખાતે સ્વાગત સન્માન કરાશે.
પાટણ તા. 28
પાટણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રેરિત ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી ભવ્યાતી ભવ્ય શ્રી રામ નવમી ની શોભાયાત્રા આગામી તારીખ 30 માર્ચના રોજ ગામ રામજી મંદિર ખાતેથી બપોરે 12:39 કલાકે પ્રસ્થાન થનાર છે.
ત્યારે શ્રી રામ નવમીની આ પવિત્ર શોભાયાત્રા દરમિયાન રથયાત્રાના માર્ગો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તેમજ તમામ સમાજના લોકો ભાઈચારા વચ્ચે આ રથયાત્રામાં સહભાગી બને તેવા શુભ ઉદ્દેશથી મંગળવારની સાંજે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
પાટણ એ ડિવિઝન પોલીસ મથક ખાતે યોજાયેલી શ્રી રામ નવમી ની શોભાયાત્રા ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, પાટણ નગરપાલિકાના સત્તાધિશો સહિત વિવિધશાખાઓના ચેરમેનો, કર્મચારીઓ, જીબીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને રથયાત્રાના માર્ગો પર કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ તેમ જ રખડતા ઢોરોની સમસ્યા ન સર્જાય સાથે સાથે રથયાત્રાના માર્ગો પર પડેલા ખાડાઓના પુરાણ કરવામાં આવે તો વીજના વાયરો કોઈ અકસ્માત ન સર્જે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
શ્રી રામ નવમી શોભાયાત્રા ના આયોજકો દ્વારા ચાલુ વર્ષે ગામ રામજી મંદિર ખાતે થી શોભાયાત્રા નું પ્રસ્થાન એક કલાક વહેલા એટલે કે 12:39 કલાકના શુભ મુહૂર્ત મા કરવામાં આવનાર હોવાનું જણાવી ચાલુ સાલે રથની હાઈટ પણ બે ફૂટ જેટલી વધારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તો મુસ્લિમ વિસ્તારમાં આજાન ના સમય પહેલા રથયાત્રા પ્રસ્થાન થઈ જાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ગંજીપીર નજીક સ્વાગત સન્માન કરવામાં આવશે અને દરેક મસ્જિદ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવું મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
પાટણ એ ડિવિઝન પોલીસ મથકે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ડીવાયએસપી પંડ્યા, એલસીબી પીઆઇ અમીન, એ ડિવિઝન પી.આઈ પરમાર, પાટણ નગરપાલિકા ના સત્તાધીશો સહિત જીઈબીના અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના વડાઓ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત રામનવમી શોભાયાત્રા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેરના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.