પાટણ તા. 5
ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામેથી માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીમાં જણાવેલ કે શત્રુંજય ગિરિરાજ નો મહિમા જગ વિખ્યાત છે.સ્વયં સીમંધર સ્વામી જેને પોતાના મુખથી વર્ણવતા હોય એ ગિરિરાજની પવિત્રતાની તો વાતજ શી કરવી.ચૈત્રી પૂર્ણિમા નું મહત્વ બતાવતા શાસ્ત્રકારોએ કહ્યું છે
કે વર્ષની બાર પૂર્ણિઓમાં ચૈત્રી પૂનમ પુણ્ય વૃદ્ધિ કારક છે.ચૈત્રી પૂનમના દિવસે જે શુભ ભાવ પૂર્વક ઉપવાસ કરીને શ્રી સિદ્ધાચલ ની યાત્રા કરે તે જીવ નરક કે તીર્યંચ ગતિમાં ન જાય.ચૈત્રી પૂનમે સ્નાત્રજલ ઘરમાં લાવીને હંમેશા છાંટે તે સંપદા પામે.ચૈત્રી પૂનમનું જો ભવીજીવ આરાધન કરે તો મોક્ષપદ પામે. ચૈત્રી પૂનમે શત્રુંજય તીર્થ પર રહેલ પ્રતિમાઓ નું પૂજન કરવાથી શ્રી નંદીશ્વર દ્વિપમાં રહેલ શાશ્વતા ભગવાનની પૂજા કરતાં અધિક પુણ્ય પ્રાપ્ત થાય છે.
ચૈત્રી પૂનમે કોઈ મનુષ્ય કોઈપણ જગ્યાએ રહીને શ્રી ઋષભદેવની તેમજ પુંડરીક સ્વામી ની પૂજા કરેતો દેવતાઈ સુખો પામે છે.ચૈત્રી પૂનમે કરેલી ધાર્મિક ક્રિયાઓ પાંચ કરોડ ઘણું ફળ આપે છે.તેથી જે પ્રાણી શુદ્ધ વિધિપૂર્વક ચૈત્રી પૂનમે આરાધના કરે,તે પોતાના સ્થાન માં રહીને પણ ભાવના ભાવતો ભાવતો તીર્થયાત્રા નું ફળ પામે છે.
શ્રી ઋષભદેવ પ્રભુ ના બે પુત્રો નમિ અને વિનમિ અને તેમના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી પાંચ ક્રોડ સાધુના પરિવાર સાથે મુક્તિપદ ને પામ્યા છે.વર્ષની બાર પૂર્ણિમા મધ્યે ચૈત્રીપૂનમ નું માહાત્યમ ઘણું જ છે,તે અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનાર છે.ચૈત્રી પુનમ ના દિવસે અનેક વિદ્યાધર, ચક્રવર્તી વિગેરે મહાપુરુષો વિમલગિરિ તીર્થ ઉપર મોક્ષે ગયા છે.તેથી ચૈત્રી પૂનમનો દિવસ ઉત્તમ હોવાનું તેઓએ જણાવ્યું હતું.