બીજા દિવસે 1300 લોકોએ વેરા ભરપાઈ કર્યો..
જાહેર રજા ના દિવસે વેરા સ્વીકારવાની કામગીરી બંધ રહેશે..
પાટણ તા.5
પાટણ નગરપાલિકા દ્વારા
વર્ષ 2023 /24 ના એડવાન્સ વેરા સહિતના તમામ વેરા સ્વીકારવાની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .ત્યારે બુધવારના બીજા દિવસે વેરો ભરવા લોકોને સવારથી જ પાલિકા ખાતે લાંબી કતારો જામી હતી જેમાં સાંજ સુધી માં 1300 લોકોએ પોતાનો વેરો ભરતા નગરપાલિકાને રૂપિયા 24 લાખથી વધુ ની આવક થઈ હતી.
નવા નાણાકીય વર્ષનો પ્રારંભો થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા તંત્ર દ્વારા એપ્રિલ માસથી વર્ષ 2023/ 24 ના વર્ષના પાણી અને ગટર વેરા ના એડવાન્સ વેરા ઉપરાંત શિક્ષણ , સફાઈ , સ્ટ્રીટ લાઈટ સહિતના વેરા સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે જેમાં બુધવારે બીજા દિવસે 1300 લોકો એ વેરો ભરતા પાલિકાને રૂપિયા 24લાખ થી વધુ ની આવક થઈ હતી જેમાં રૂપિયા 1 ,87 હજાર થી વધું ની આવક ઓનલાઈન દ્વારા પ્રાપ્ત થઈ હતી .
નગરપાલિકામાં વેરો ભરવા માટે આવતા મિલકત ધારકોને વેરો ભરવામાં સરળતા રહે તે માટે વેરા શાખા દ્વારા પાંચ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને તે માટે જરૂરી સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે. પાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી વેરા સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે .જ્યારે બપોરે 1:30 થી 02:30 સુધી રિસેસ નો સમય રહેશે તેમજ જાહેર રજા ના દિવસે વેરા સ્વીકારવાની કામગીરી બંધ રહેશે તેમ વેરા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
વધુમાં જે લોકો નગરપાલિકામાં વેરો ભરવા આવી શકે તેમ ન હોય તે લોકો રાજ્ય સરકારની ઈ નગર વેબસાઇટ અને પોર્ટલ ઉપરથી પણ વેરો ઘરે બેસીને ભરી શકે છે. ઓનલાઇન વેરો ભરનારને મિલકત વેરામાં વધારાનું 5% વળતર આપવામાં આવે છે. તેમજ એપ્રિલ માસ સુધીમાં વેરો ના ભરનાર પાસેથી નગરપાલિકા દ્વારા નોટિસ ફી ની વસૂલાત કરવામાં આવશે .