ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ રાધે ફ્લેટ નજીક પાઇપ માં ભંગાણ સર્જાતા વિસ્તારના રહીશો પાણી માટે ટળવળિયા..
પાટણ તા. 17
પાટણ શહેરમાં કોઈપણ પ્રકારના આયોજન વગરના યુદ્ધના ધોરણે ચાલી રહેલા વિકાસ કામોને લઈને પાટણની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી મોબાઇલ કંપનીઓ દ્વારા મજૂરો પાસે આડેધડ અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નું કામ કરાવતા હોય અવાર નવાર પાણીની પાઇપ લાઇન તેમજ ભૂગર્ભ ગટર લાઈનો ક્ષતિગ્રસ્ત બનવાની સમસ્યાઓ સજૉતી હોય છે. જેના કારણે પાટણના નગરજનોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવતો હોય છે. તો બીજી તરફ પાણીની પાઈપ લાઈન લીકેજ બનતા હજારો લીટર પાણી માર્ગો પર નિરર્થક વહી જતું હોય છે. ખાનગી મોબાઇલ કંપનીઓ દ્વારા જવાબદાર વ્યક્તિને સ્થળ પર રાખીને અંડરગ્રાઉન્ડ વાયરીંગ નું કામ ન કરતા અને ફક્ત મજૂરો ઉપર તમામ કામગીરી સોંપી દેવાતા અવાર નવાર આવી સમસ્યાઓનું નિર્માણ થતું હોય છે.
સોમવારની સાંજે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર રાધે ફલેટ પાસે ખાનગી મોબાઇલ કંપનીઓના કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલી અંડરગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જૉવા પામી હતી અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
પાણીની મુખ્ય પાઇપ લાઇન લીકેજ બનતા વિસ્તારના લોકોને પાણી માટે પરેશા ની ભોગવી પડી હતી.આ બાબતે પાલિકાના વોટર વકૅશ શાખાના ચેરમેનને અવગત કરતા તેઓ પોતાની જવાબદારી માંથી છટકવા નો પ્રયાસ કરતા હોય તેમ આ મામલે ચીફ ઓફિસર ને રજૂઆત કરો તેવો ઉડાવ જવાબ આપી રહ્યા છે.
જ્યારે આ બાબતે ચીફ ઓફિસર નો સંપર્ક કરતા તેઓએ આ મામલે ખાનગી મોબાઇલ કંપનીના અધિકારીઓ ને બોલાવી શહેરીજ નોની સમસ્યામાં વધારો ન થાય તે રીતે કામગીરી કરવા સૂચના આપવા ની હૈયા ધારણા આપી ટેલીફોન એક્સચેન્જ વિસ્તાર માં લીકેજ બનેલી પાણીની પાઇપલાઇનનું સત્વરે સમારકામ કરવા વોટરવર્ક શાખાને જાણ કરાય હોવાનું જણાવ્યું હતું.