અકસ્માત સર્જી ટર્બો ચાલક પોતાનો ટર્બો લઈ ફરાર થતા પોલીસે મૃતકના પરિવારની ફરિયાદઆધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી..
પાટણ તા. 4
સરસ્વતી તાલુકાના અઘાર ગામના ત્રણ મિત્રોશનિવારે રાત્રે અઘારથી મોટર સાયકલ ઉપર પાટણ ખાતે નાસ્તો કરવા આવ્યા હતા અને નાસ્તો કરીને કાસા પેટ્રોલ પંપે જવા નીકળ્યા હતા. ત્યારે ભુતીયા વાસણા બસ સ્ટેશન નજીક પૂરપાટ અને ગફલત રીતે પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા ટર્બો ચાલકે બાઈક સવાર ત્રણેય મિત્રોને અડફેટમાં લેતા બે મિત્રોના ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યા હતા . જ્યારે અન્ય એક મિત્રને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય આ બાબતે સરસ્વતી પોલીસ ને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશના પંચનામાં કરી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી અજાણ્યા ટર્બો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની હકીક્ત એવી છે કે સરસ્વતી તાલુકાના અગાર ગામના અદુજી બચુજી સોલંકી, જગતસંગ પ્રહલાદસંગ સોલંકી તથા અર્જુનસિંહ ગાંડાજી સોલંકી રહે તમામ અઘાર વાળા શનિવારે રાત્રે પલ્સર મો.સા નં જીજે-૨૪- એ.આ૨.૯૫૧૫ નું લઇનેનાસ્તો કરવા સારૂ પાટણ આવ્યા હતા. અને નાસ્તો કરી મો.સા લઇને ત્રણેય જણાઓ અર્જુનસિંહ ગાંડાજી સોલંકી રહે અધારવાળાને કાંસા પેટ્રોલપંપ ઉપર નોકરી ઉપર મુકવા સારૂ જતા હતા.
તે દરમ્યાન કોઇ અજાણ્યા ડમ્પર (ટર્બા) ચાલકે પોતાનું ડમ્પર (ટર્બા) પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી મો.સા ને ભુતિયા વાસણા બસ સ્ટેન્ડ નજીક ટકકર મારી પોતાનો ટર્બો લઈ ફરાર થઈ ગયો હતો.જ્યારે આ અકસ્માતમા પ્લસર બાઈક પર સવાર અદુજી બચુજી સોલંકી ઉ.વ ૨૨ તથા જગતસંગ પ્રહલાદસંગ સોલંકી ઉ.વ ૨૩ રહે બન્ને અઘારવાળા ઓનુ ગંભીર ઈજાઓ ના કારણે ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જયારે અર્જુનસિંહ ગોંડાજી સોલંકી રહે. અધારવાળા ને ગંભીર ઇજા થતાં સારવાર સારૂ ધારપુર સિવિલ માં ખસેડવામાં આવ્યો હતો જયા સારવાર બાદ તેનું પણ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવ ની જાણ સરસ્વતી પોલીસને તેમજ મૃતકના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે બંને મૃતક ના પંચનામા કરી લાશને પી.એમ અર્થે પાટણ સિવિલ હોસ્પીટલ માં ખસેડવામાં આવી હતી. તો સારવાર દરમિયાન મૃત્યુ પામેલ યુવાનની લાશને પણ ધારપુર હોસ્પિટલ માથી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી.ભુતીયાવાસણા ગામના બસ સ્ટેશન પાસે શિહોરી -પાટણ હાઇવે રોડ ઉપર બનેલ આ અકસ્માત ની સરસ્વતી પોલીસ મથકે મૃતકના પરિવારજનોની ફરિયાદ ના આધારે અજાણ્યા ટર્બો ચાલક સામે ગુનો નોધી આગળની તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અઘાર ગામના ત્રણ યુવાનોના માર્ગ અકસ્માતમાં નીપજેલા મોતના પગલે ગમગીની છવાઈ જવા પામી હતી.