પાલિકાના કર્મચારીઓ 50 જેટલા લારીગલ્લા અને 10 જેટલા ખાટલાઓ પાલિકા ખાતે ઉઠાવી લાવ્યા..
પાટણ તા. 13
પાટણ શહેર ના વિવિધ વિસ્તારોમાં આડેધડ લારી-ગલ્લા કેબીનોના દબાણો સહિતના દબાણોને કારણે વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યાને લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
શહેરના આનંદ સરોવરથી રેલવેના પ્રથમ ગરનાળા ના માર્ગ પર બીએમ હાઈ સ્કુલ ની આજુબાજુમાં આડેધડ ઉભા રખાતા લારી,ગલ્લાઓ, પાથરણા વાળાઓના કારણે દિવસ દરમિયાન આ માર્ગ પર ટ્રાફિક ની સમસ્યા સર્જાતી હોય છે તો બી એમ હાઇસ્કુલ માં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલી ભોગવી પડતી હોય જે તમામ સમસ્યાને ધ્યાનમાં રાખી મંગળવારના રોજ પાટણ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંદીપ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ની સુચનાથી પાલિકાના કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવો અંતગૅત ગેરકાયદેસરના ટ્રાફિકને અડચણરૂપ બનતા 50 જેટલા લારી ગલ્લા કેબીનો અને 10 જેટલા ખાટલાઓ સહિતના દબાણ દૂર કરી વિસ્તારને ટ્રાફિક મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન બિન કાયદેસર ટ્રાફિક ને અડચણરૂપ બનતા લારી ગલ્લા કેબીનો અને ખાટલાઓ પાલિકા ખાતે લાવવામાં આવ્યા હોવાનું દબાણ હટાવ ઝુંબેશ માં જોડાયેલા પાલિકાના કર્મચારી મુકેશ રામી એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી