પાટણ તા.૧૯ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભારે વરસાદને લઈ અંદાજે ૧૦ હજાર છાત્રોની આગામી ૨૦ જૂનથી શરૂ થતી પૂરક પરીક્ષાઓ હાલ પૂરતી મોફુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે આગામી તા. ૨૬ જૂનથી લેવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા માર્ચ જુનની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા છાત્રો તેમજ અભ્યાસક્રમ પૂર્ણ કરવા ની સમય મર્યાદા પૂર્ણ કરેલા છાત્રોની આગામી તા. ૨૦ જૂનના રોજથી પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હોય પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હોય તા.૨૦ જૂનથી શરૂ થતી પરીક્ષામાં સેન્ટરો ઉપર પહોંચવામાં છાત્રોને ભારે મુશ્કેલી સર્જાઈ શકે તેમ હોય છાત્રોના હિતમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો માં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ૨૦ જૂનથી શરૂ થતી પૂરક પરીક્ષાઓ છ દિવસ પાછળ ધકેલી આગામી ૨૬ જૂનથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી