વાલ્મિકીવાસમાં રહેતી એક વિધવા ઉપર તેનાં પુત્રએ બ્લેડથી હુમલો કરતાં તેને ઇજાઓ થઇ
પાટણ શહેરમાં હાંસાપુરમાં આવેલા હનુમાન દાદાનાં મંદિરમાં આવેલા વાલ્મિકીવાસમાં રહેતી એક વિધવા ઉપર તેનાં પુત્રએ બ્લેડથી હુમલો કરતાં તેને ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવ અંગે મહિલાએ તેના પુત્ર સામે ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ તા. 23 મીની રાત્રે હાંસાપુરમાં આવેલા હનુમાન દાદાનાં મંદિરમાં આવેલા વાલ્મિકીવાસમા રહેતા પૂષ્પાબેનનાં ઘરે રાત્રે બે ત્રણ અજાણ્યા છોકરાઓએ આવીને કહેલ કે, તમારો દિકરો વિજય ક્યાં ગયો ? તે મારો મોબાઈલ લઈને આવતો રહ્યો છે એમ કહેતાં પુષ્પાબેને આ છોકરાઓને કહેલ કે, ઉભા રહો વિજય ઘરમાં સુતો છે તેમ કહીને ઘરમાં સુતેલા પુત્ર વિજયને જગાડીને કહેલ કે, તારા કોઈ મિત્રો તને બોલાવે છે. આથી વિજય ઉભો થઈને બહાર જઈને તેમને મળીને ઘરમાં પાછો આવ્યો હતો.
જે બાદ માતા પર એકાએક ઉશ્કેરાઈને કહેલ કે, તારે મને સુતો હોય ત્યારે ઉઠાડવો નહિં. આથી પુષ્પાબેને કહેલ કે, હું તારી મા છું, તુ આવી ખરાબ ગાળો ના બોલ.. તેમ કહેતાં તેનાં પુત્ર વિજયે એકદમ ઉશ્કેરાઈ જઈને તેનાં હાથમાં રહેલી બ્લેડ તેની માતાની આંખની નીચેના ભાગે ગાલ પર મારી દેતાં તેને લોહી નિકળતાં વિજયે તેને ધમકી આપતા કહેલ કે, તું બહુ બોલીશ તો તને જાનથી મારી નાંખીશ. બાદમાં પુષ્પાબેને તેનાં બીજા દિકરાને બોલાવીને હોસ્પિટલ ગઈ હતી અને પોલીસમાં નિવેદન આપીને ફરીયાદ નોંધાવી હતી.