સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023-રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જાફરીપુરા ગામની રાજ્યની મોડેલ ગ્રામ પંચાયતોમાં પસંદગી..
પાટણ તા. 17પાટણ માટે ખૂબ ગૌરવની ક્ષણ છે કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના જાફરીપુરા ગામની સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023- રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં રાજ્યની મોડેલ ગ્રામ પંચાયતોમાં પસંદગી કરવામાં આવી છે.ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ની રાષ્ટ્રીય પ્રતિયોગિતાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રતિયોગીતા અન્વયે ભારત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મીશન(ગ્રામીણ) યોજના અંતર્ગત થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને ગ્રામ્યકક્ષાએ ઘન પ્રવાહી અને પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને માનવ મળ વ્યવસ્થાપન અને ગોબરગેસ પ્લાન્ટની કામગીરીનું નેશનલ ટીમ દ્વારા ગ્રામ મુલાકાત કરી મૂલ્યાંકન કરવામાં આવનાર છે.
આ પ્રતિયોગિતામાં ઉત્તમ ગ્રામ પંચાયત અને ઉત્તમ જિલ્લાને આગામી 2 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવશે.સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – 2023 અંતર્ગત પાટણ જિલ્લામાં કુલ 15 ગ્રામ પંચાયતોને પસંદ કરી રાજ્ય સ્તરે મોકલી આપવામાં આવેલ હતી.
જે પૈકી રાજ્યની ટીમ દ્વારા પાટણ તાલુકાની મીઠી વાવડી, શંખેશ્વર તાલુકાની કુવારદ, અને સિદ્ધપુર તાલુકાની જાફરીપુરા ગ્રામ પંચાયતની રૂબરુ મુલાકાત કરી સ્વચ્છતા અંગે પ્રત્યક્ષ અવલોકન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાની જાફરીપુરા ગ્રામ પંચાયતને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ઠ કરી રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023 માટે પસંદગી કરવામાં આવેલ છે. હવે કેન્દ્રની ટીમ દ્વારા ગામની મુલાકાત કરીને મુલ્યાંકન કરવામાં આવશે.
100% સાક્ષરતા, 100% નળ કનેક્શન, 100% ગટર કનેક્શન, 100% ઘરોમાં શૌચાલય, 100% સી.સી. રોડ – ફૂટપાથ સાથે આ બધું જ આપને જોવા મળશે, જાફરીપુરા ગામમાં. જાફરીપુરા ગામ ખરા અર્થમાં ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરી રહ્યું છે. અને હવે આપણું જાફરીપુરા ગામ જઈ રહ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023- રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં.
પ્રતિયોગીતાની વિગતે વાત કરીએ તો, સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 અંતર્ગત જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતો પૈકી રેન્ડમલી પસંદ થયેલ ગ્રામ પંચાયતની નેશનલ ટીમ દ્વારા મુલાકાત લઈ જાહેર સ્થળો જેવા કે, પંચાયત ઘર, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, જાહેર બજાર અને ધાર્મિક સ્થળો પર સાફ-સફાઈનું મૂલ્યાંકન અને ઉક્ત સ્થળો પર શૌચાલયની ઉપલબ્ધતા બાબતે પ્રત્યક્ષ મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત સામુદાયિક સ્તરે ઘન, પ્રવાહી અને પ્લાસ્ટિક કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલનું નિરીક્ષણ કરવામાં આવશે. વધુમાં ઘર લેવલે શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયની ઉપયોગીતા, ગ્રામીણ નાગરિકોના રૂબરૂ પ્રતિભાવોને પણ આવરી લેવામાં આવશે.
તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ.સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર . કે.મકવાણા અને સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)ના જીલ્લા કો ઓર્ડીનેટર દિલીપભાઈ ચૌહાણ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણને સફળ બનાવવા માટે જાફરીપુરા ગામની મુલાકાત લઈ ગ્રામ કક્ષાએ સ્વચ્છતા અંગે થેયલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રતિયોગીતામાં જાફરીપુરા ગ્રામ પંચાયત સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે સરપંચ, તલાટી કમ મંત્રી, પદાધિકારીઓ, ગ્રામજનો, સ્વૈછિક સંસ્થાઓ, ગ્રામ્ય આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનોની લોક ભાગીદાર કેળવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સિદ્ધપુરથી માત્ર 10 કિ.મી.ના અંતરે આવેલા આ નાનકડા ગામમાં તમામ સી.સી રોડ, ફૂટપાથ અને કતારબદ્ધ વૃક્ષો સહિતની સગવડ શહેરના કોઈ પૉશ વિસ્તારની સુંદરતાને પણ ઝાંખી પાડે તેવા છે. સિદ્ધપુરનું આ ગામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન તેમજ નવા ભારતના સ્વપ્નને સાચા અર્થમાં પરીપૂર્ણ કરી રહ્યું છે.