પાટણ તા. 20 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુરૂવાર ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં 100 થી વધુ લોકો એ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે ચંદ્ર પર ઉતરાણના વૈભવને ફરી જીવંત કરવાની અને ચંદ્ર સંશોધન અને તેના ઉપયોગ વિશેના જ્ઞાનને વિસ્તૃત કરવા માટે આ દિન ઉજવવામાં આવે છે.
ગુજકોસ્ટ દ્વારા આયોજિત બે સ્પર્ધા “ચાલો ચંદ્ર પર જઈએ: પ્રેરણા અને તકો” વિષય પર ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે નિબંધ લેખન સ્પર્ધા અને “તમારી કલ્પનાનો ચંદ્ર” પર ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા નું આયોજન તારીખ 4 જુલાઈ થી 15 જુલાઈ વચ્ચે સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં પાટણ સાયન્સ સેન્ટર દ્વારા આયોજિત સ્પર્ધા માં 438 લોકોએ નિબંધ લેખન સ્પર્ધા અને 234 લોકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાંથી લોકોએ આ સ્પર્ધા માં ભાગ લીધો જેમાં ભાગ લેનાર ની સંખ્યામાં પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર પ્રથમ ક્રમાંકે રહયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી