પાટણ તા. 24 ગુજરાત સરકારે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૨૩- ૨૪ થી ફી વધારો કરેલ છે. જે રાજયની ૧૩ જી.એમ આર.એસ. કોલેજમાં આ વર્ષથી લાગુ પડવાનો છે.જેમાં સરકારી ક્વોટામાં ૬૭ ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં ૮૮ ટકા જેટલો અસહ્ય ફી વધારો છે. આ ફી વધારાના કારણે સરકારી કવોટામાં ૫.૫૦ અને મેનેજમેન્ટ કવોટામાં ૧૭.૦૦ લાખ વાર્ષિક ફી થશે. એન.આઈ.આર કવોટામાં ૨૫૦૦૦ યુ.એસ.ડોલર એટલે આશરે ૧૮.૫૦ લાખ ફી થશે.આ ફી વધારાને કારણે મધ્યમ વર્ગના લોકોના સંતાનોને આર્થિક કારણો સર મેડીકલનો અભ્યાસ પડતો મુકવો પડે તવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થશે.
ગુજરાત મોડલની આપણે વાત કરતા હોઈએ ત્યારે મેડીકલ જેવા ક્ષેત્રમાં આટલી ઉંચી ફી ચૂકવી અભ્યાસ કર્યા બાદ તેનામાં માનવ સેવાનો ભાવ રહેશે? આ ફી વધારાને કારણે દેશના વિદ્યાર્થી ફિલિપાઈન્સ જેવા દેશમાં અભ્યાસ માટે જશે જ્યાં એમ.બી.બી.એસ, ની કુલ ફી ૨૫ થી ૩૦ લાખ હોય છે ત્યારે રાષ્ટ્રને માનવ સેવા માટે સારા ડોક્ટર મળે તે માટે આ અમાનવીય ફી વધારો પરત ખેંચવો જોઈએ તેવો રાજયના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ ને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે.