શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સ્થાનિક ધારાસભ્ય પણ ઉદાસીન બન્યા હોવાનો ગણગણાટ..
સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, પાણીની સુવિધા, ભૂગર્ભ ગટરો અને ઉબડ ખાબડ માર્ગો થી પ્રજા પરેશાન..
પાટણ તા. 26 રાધનપુર નગરપાલિકા વહીવટ દારના શાસનમાં નઘરોળ બની હોવાથી રાધનપુરના નગરજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો સ્થાનિક ધારાસભ્ય પણ શહેરીજનોની સમસ્યાના નિરાકરણ બાબતે ઉદાસીનતા દાખવતા હોવાની બુમરાણ ઉઠી રહી છે. રાધનપુર નગરપાલિકાના ડામાડોળ બનેલ તંત્રના કારણે ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું છે તો શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે તો શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટો ના કારણે રહીશો પરેશાન બન્યા છે પીવાના પાણીની સમસ્યા પણ શહેરીજનો માટે વિકટ બની છે તો બીજી તરફ રાધનપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડાઓ પડી જતા માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકો સહિત વિસ્તારના વેપારીઓને પણ યાતના ભોગવવાનો વારો આવ્યો છે વિસ્તારના ધારાસભ્ય પણ શહેરીજનોની પ્રાથમિક સમસ્યાના નિરાકરણ માટે ઉદાસીન બન્યા હોય તેવો ગણગણાટ શહેરીજનોમાં સાંભળવા મળી રહ્યો છે
રાધનપુર શહેરની પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી બાબતે બસ સ્ટેશન માર્ગ પરના રમેશભાઈ નામના વેપારીએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરના રોડ, રસ્તા, ગંદકી, બંધ સ્ટ્રીટ લાઈટો, પાણીની સુવિધા સહિતની પ્રાથમિક સુવિધા બાબતે નગરપાલિકા તંત્રને અનેક વખત શહેરીજનો દ્વારા લેખિત તેમજ મૌખિક આવેદન પત્ર આપી અને હંગામાઓ કરવા છતાં નઘરોળ નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી તો શહેરના પ્રવેશ દ્વાર ના માગૅ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ને કારણે ધોવાણ થયેલા માગૅ પર અવાર નવાર નાના મોટા અકસ્માત ના બનાવો બની રહ્યા છે. છતાં તંત્ર દ્વારા એક પણ સમસ્યા નું કાયમી નિરાકરણ લવાતું નથી તો સ્થાનિક ધારાસભ્ય પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બને તે માટે ઉદાસિનતા દાખવી રહ્યા હોવાનો પણ શહેરીજનો ગણગણાટ સાભળવા મળી રહ્યો છે.