નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર ભાર મુકવામાં આવ્યો છે..
ગ્લોબલ વિથ લોકલનો સમાવેશ નવી શિક્ષણ નિતીમાં કરવામાં આવ્યો છે : રૂપકિશોર ચૌધરી..
શિક્ષણની સાથે જીવન નિર્વાહ માટેના રચનાત્મક કાર્યો પણ નવી શિક્ષણ નીતિનો હિસ્સો છેઃ મીરા વ્યાસ..
પાટણ તા. 28 નવી શિક્ષણનીતિ 2020 ને ત્રણ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે શિક્ષા સંગમના માધ્યમથી દેશને સંબોધિત કરવાના છે, ત્યારે શુક્રવારે તેના અનુસંધાને કેન્દ્રિય વિદ્યાલય, પાટણ ખાતે નવીશિક્ષણ નીતિની સંપૂર્ણ જાણકારી માટે પત્રકાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય વિદ્યાલય પાટણના આચાર્ય રૂપકિશોર ચૌધરી તથા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રીમતિ મીરા વ્યાસએ નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. તદઉપરાંત પત્રકારમિત્રોના સવાલોની સામે વક્તાઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રંસંગે આચાર્યો તેમજ નિષ્ણાત વક્તાઓએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે.નવી શિક્ષણનીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી માંથી મુક્તિ અપાવી વિધાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. છેલ્લા ૩ વર્ષમાં આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાનાં વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે તેમને ત્રણ વર્ષ થયાથી બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે.આમ,બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણ નીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે. 10 દિવસ માટે ” બેગલેશ ડે ” એટલે કે ભાર વિનાના ભણતરના વિચારને પણ સાર્થક કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે. હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે તેમ પ્રેસ મીડિયાના મિત્રોને જાણકારી આપવામાં આવી હતી.પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તેમજ કેન્દ્રિય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમેઆયોજિત આ પત્રકાર વાર્તામાં સી.બી.સી તેમજ પી.આઇ.બી ના ઉત્તર ગુજરાત ના પબ્લીસિટી ઓફિસર જે.ડી ચૌધરી એ નવી શિક્ષણ નીતિની જાણકારી આપતા કાર્યકમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે માહિતી કચેરી પાટણની ટીમ, પાટણના પત્રકાર બંધુઓ તેમજ કેન્દ્રીય વિદ્યાલય તેમજ જવાહર નવોદય વિદ્યાલયનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.