પાટણ તા. 3 પાટણ શહેરની એકમાત્ર શ્રીમતી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં અનેક અવનવા પ્રયોગો થકી દીકરીઓનું ઘડતર કરવામાં આવી રહ્યું છે ત્યારે આવો એક નવતર પ્રયોગની શરૂઆત શાળા દ્વારા કરવામાં આવી છે. આજના મોબાઈલ ના યુગની અંદર જોઈએ તો લોકોનું વાંચન ઘટી રહ્યું છે તેવા સમયે દીકરીઓનો વાંચન પ્રેમ વધે અને નિયમિત વાંચન અભિમુખ થઈ શકે તે માટે શાળામાં વર્ગ પુસ્તકાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરેક વર્ગને 50-50 પુસ્તકોથી ભરેલી એક પુસ્તકાલય પેટી આપવામાં આવી છે. દરેક વર્ગ પાસે પોતાનું પુસ્તક ઈશ્યુ રજીસ્ટર અલાયદુ રહેશે. દીકરીઓ જાતે જ પોતાના વર્ગના પુસ્તકોનું સંચાલન અને વાંચન પણ કરશે. એક અઠવાડિયા સુધી પુસ્તક ઘરે રાખી શકાશે. ત્યાર બાદ દર અઠવાડિયે પુસ્તક પરત લઇ નવું પુસ્તક આપવામાં આવશે. એક મહિના સુધી દરેક વર્ગ પાસે આ 50-50 પુસ્તકો રાખવામાં આવશે. મહિનાના અંતે દર મહિને દરેક વર્ગની પુસ્તકાલય પેટીના પુસ્તકો બદલી આપવામાં આવશે.
આ પ્રક્રિયા સહજતાથી શાળાની દીકરીઓ ચલાવવાની છે. શાળાના આ નવતર પ્રયોગ વિશે માહિતી આપતા શાળાના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ પ્રયોગના કારણે દીકરીઓનો વાંચન પ્રેમ વધશે. દીકરીઓ નવા નવા પુસ્તકોનું અધ્યયન કરી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે. બાળકો જે રીતે પુસ્તકોનું વાંચન કરવાના છે તેવી જ રીતે દરેક શિક્ષકે પણ દર મહિને એક પુસ્તક વાંચવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. આ નવતર પ્રયોગ થકી દીકરીઓ નવું નવું જાણી પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકશે.શાળાના આ નવતર પ્રયોગ ને શાળા પરિવાર સહિત વિધાર્થીનીઓએ સરાહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી