પાટણ તા. 16 સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭ મા સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ગામના નાગરિકોમાં દેશ પ્રેમ અને રાષ્ટ્ર ભાવનાનો વિકાસ થાય તે હેતુથી સ્વતંત્રતા પર્વ અનુસંધાને કેટલાક દેશભક્તિ ને અનુરૂપ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વામૈયા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશના મહાન નેતાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ,મહાન ક્રાંતિકારીઓ અને દેશભક્તોના એક પાત્રીય અભિનય, દેશભક્તિ ગીતો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. શાળામાં ધ્વજ વંદન ગામના સરપંચ દલાજી પરમાર, તાલુકા ડેલિકેટ વિજયસિંહ પરમાર અને ગામના વડીલ વાઘુભા પરમાર દ્વારા આદર અને સન્માન પૂર્વક કરવામાં આવી હતી.
ત્યારબાદ સરકારની વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વના આ શુભ અવસર પર શાળાના આચાર્ય દિલીપકુમાર પ્રજાપતિ એ ગામના નાગરિકો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, સાર્વભૌમત્વ અને દેશભક્તિનો સંદેશ પાઠવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને વ્યવસ્થાપન પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપકુમાર પ્રજાપતિ અને શાળાના શિક્ષક દિલીપસિંહ ગોહિલે કયુઁ હતું. કાર્યક્રમનું સફળ સભા સંચાલન માધ્યમિક શાળાના વિદ્યાર્થી ઠાકોર આશિષ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાતંત્રપર્વ કાર્યક્રમનું આયોજન, વ્યવસ્થાપન, શાળાની સ્વચ્છતા, શિસ્ત અને સલામતી અંતર્ગત ગામના નાગરિકો વડીલો અને શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી