પાટણ તા.16 મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વના બીજા દિવસે અનેક લોકો જોડાઈ રહ્યા છે. ગુરૂવારે પાટણ નગરપાલિકાનો કાર્યક્રમ આનંદ સરોવર ખાતે યોજાયો હતો. નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં તમામ લોકોએ હાથમાં માટી લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.
આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત આ વર્ષે તા.15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.9 મી ઓગષ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાટણ શહેરમાં મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ નગરપાલિકાની ટીમે માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વનો શહેરના આનંદ સરોવર ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો.
પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત આગેવાનોએ તેમજ લોકોએ હાથમાં માટી લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેતા આનંદ સરોવર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતુ. કાર્યક્રમ અંતર્ગત “વસુધા વંદન” અંતર્ગત દરેક પંચાયતમાં 75 સ્વદેશી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતુ. મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત પોલીસ વીર જવાનો, વીરોના પરીવારો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરીવાર અને હિન્દ છોડો ચળવળ માં જોડાયેલ પરીવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રાષ્ટ્રભક્તિસભર આ કાર્યક્રમમાં પ્રભારી જગદીશ પટેલ, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, આગેવાનો, ચીફ ઓફિસર સહિત કોર્પોરેટર , એ ડિવીઝન પી.આઈ., બી ડિવીઝન પી.આઈ. સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી